Saturday - Oct 17, 2026

કબડ્ડી અને વોલીબોલમાં પણ મોરબીના ખેલાડીઓનો દબદબો, લોંગ જમ્પમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

કબડ્ડી અને વોલીબોલમાં પણ મોરબીના ખેલાડીઓનો દબદબો, લોંગ જમ્પમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

રમતગમતમાં સર્વોપરી સંકુલના વિદ્યાર્થીઓની સર્વોપરી સિદ્ધિ


મોરબી : રમતગમત ક્ષેત્રે મોરબીના સર્વોપરી શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. શાળા રમતગમત મહાસંઘ (એસજીએફઆઈ)ની વર્ષ 2026-27ની સ્પર્ધાઓમાં સંકુલના વિદ્યાર્થી સુજિત કુશવાહાએ અંડર-14 લોંગ જમ્પમાં દ્વિતીય સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે. આ સિદ્ધિથી મોરબી જિલ્લા અને શૈક્ષણિક સંકુલનું ગૌરવ વધ્યું છે.

એથ્લેટિક્સમાં સંકુલના આશરે 50 વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો, જેમાંથી 30થી વધુ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ પહોંચ્યા હતા. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પાંચ ખેલાડીઓએ પ્રથમ, આઠ ખેલાડીઓએ દ્વિતીય અને ત્રણ ખેલાડીઓએ તૃતીય સ્થાન મેળવ્યું હતું.

કબડ્ડીમાં સંકુલની ત્રણેય વયજૂથની ટીમોએ જિલ્લા કક્ષાએ સ્થાન મેળવ્યું હતું. અંડર-14 અને અંડર-17ની ટીમોએ તૃતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે અંડર-19ની ટીમે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. અંડર-17 અને અંડર-19ના કુલ છ ખેલાડીઓની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ છે.

વોલીબોલમાં અંડર-19 છોકરાઓની ટીમે જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની સિદ્ધિ મેળવી હતી. ટીમના બરસારા ગુરુ, સનાવડા રાજ, સનાવડા ઉત્સવ, બહોપિયા રાજ, મુલિયા અર્જુન અને કાવર અવિ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતા તેમની મહેનત, લગન અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. સર્વોપરી શૈક્ષણિક સંકુલ પરિવારે તમામ સફળ ખેલાડીઓને અભિનંદન પાઠવી આગામી સ્પર્ધાઓમાં વધુ ઉજ્જવળ પ્રદર્શન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.