ઓરી સહિત રસીથી અટકાવી શકાય તેવા રોગો સામે સુરક્ષા માટે આરોગ્ય વિભાગની પહેલ; માઇગ્રન્ટ વસ્તીનાં 9 માસથી 10 વર્ષનાં બાળકો પર વિશેષ ધ્યાન
મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ઓરી સહિત રસીકરણથી અટકાવી શકાય તેવા રોગોની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશેષ સઘન રસીકરણ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 17થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ઝુંબેશમાં રસીકરણથી વંચિત રહી ગયેલાં બાળકોને આવરી લઈને તેમને રોગો સામે સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને સિરામિક કારખાનાં, વાડી વિસ્તારો અને અન્ય સ્થળોએ વસવાટ કરતા પરપ્રાંતીય પરિવારોનાં બાળકોના રસીકરણ પર ભાર મૂકવામાં આવશે.
જિલ્લામાં એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળોએ તબક્કાવાર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ અંતર્ગત 17 ઓક્ટોબરના રોજ સિરામિક કારખાનાં અને વાડી વિસ્તારોમાં ઉત્તર પ્રદેશ તથા બિહારથી આવીને વસવાટ કરતા પરિવારોનાં 9 માસથી 10 વર્ષ સુધીનાં બાળકો માટે વિશેષ ‘સિરામિક સ્પેશ્યલ ડ્રાઇવ’ યોજાશે.
ત્યારબાદ 18 ઓક્ટોબરના રોજ જિલ્લા હોસ્પિટલ, પેટા જિલ્લા હોસ્પિટલ, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી) ખાતે વિશેષ રસીકરણ સત્રો યોજવામાં આવશે. જ્યારે 21 ઓક્ટોબરના મમતા દિવસ નિમિત્તે તમામ આઉટરીચ વિસ્તારોમાં સઘન રસીકરણની કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત 22 ઓક્ટોબરના રોજ માઇગ્રન્ટ વસ્તી ધરાવતા વિસ્તારોમાં વિશેષ રસીકરણ ડ્રાઇવ યોજીને બાકી રહી ગયેલાં બાળકોને આવરી લેવામાં આવશે.
આ ઝુંબેશમાં ઓરી-રુબેલા (એમઆર) સહિત જરૂરી રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેથી બાળકોને રસીકરણથી અટકાવી શકાય તેવા રોગો સામે રક્ષણ મળી શકે. ખાસ કરીને સ્થળાંતર કરીને આવેલા પરિવારોમાં રહેતાં અને નિયમિત રસીકરણથી વંચિત રહી ગયેલાં બાળકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લાના તમામ વાલીઓ પોતાના બાળકોનું રસીકરણ સમયસર કરાવે અને એમ.આર. (MR) રસી સહિતની બાકી રહેલી રસી અપાવી બાળકોને સુરક્ષિત કરે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પવનકુમાર શ્રીવાસ્તવે અપીલ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશનો મુખ્ય હેતુ જિલ્લામાં કોઈ પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે.