Saturday - Oct 17, 2026

માટેલ નજીક સિરામિક કારખાનામાં ટ્રક ટ્રેલર નીચે કચડાતાં યુવાનનું કરુણ મોત

માટેલ નજીક સિરામિક કારખાનામાં ટ્રક ટ્રેલર નીચે કચડાતાં યુવાનનું કરુણ મોત

પાર્કિંગમાં પ્રેશર પાઇપ ચેક કરવા જતાં રિવર્સમાં આવતા ટ્રકની અડફેટે આવ્યો; રાજસ્થાનના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલા ક્યુરો સિરામિક કારખાનાના પાર્કિંગમાં ટ્રક ટ્રેલર રિવર્સમાં લેતી વખતે સર્જાયેલા અકસ્માતમાં 37 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રક ટ્રેલરની પ્રેશર પાઇપ ચેક કરવા માટે નીચે ગયેલા યુવાનને ચાલકે બેદરકારીપૂર્વક વાહન રિવર્સમાં લેતાં અડફેટે લીધો હતો. આ બનાવમાં યુવાનનું મોત થતાં તેના કાકાએ ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

મૂળ રાજસ્થાનના વતની અને હાલ ભરતનગર ગામે રહેતા સંતોષકુમાર ભૈરૂલાલ પલસનીયા (ઉં.વ. 52)એ ટ્રક ટ્રેલર નંબર આરજે 52 જીબી 4034ના ચાલક રામજીલાલ સુરજમલ પલસનીયા (રહે. રાજસ્થાન) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, માટેલ ગામની સીમમાં આવેલા ક્યુરો સિરામિક કારખાનાના પાર્કિંગમાં ટ્રક ટ્રેલર ચાલકે બેદરકારીપૂર્વક વાહન રિવર્સમાં લીધું હતું. તે સમયે ફરિયાદીના ભત્રીજા હરફૂલસિંગ જગદીશપ્રસાદ પલસનીયા (ઉં.વ. 37) ટ્રક ટ્રેલરના નીચેના ભાગમાં પ્રેશર પાઇપ ચેક કરવા માટે ગયા હતા.

આ દરમિયાન ટ્રક ટ્રેલરનો પાછળનો ભાગ યુવાન પરથી ફરી વળતાં છાતી, પેટ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના કારણે હરફૂલસિંગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.