ઢોર પકડ પાર્ટી સાથે ઢોર માલિકોએ ગેરવર્તન કર્યા બે બનાવ તેમજ માત્ર ગાયોને પકડતા હોવાનો આરોપ
મોરબી : મોરબીમાં લાંબા સમયથી રઝળવતા ઢોરનો ત્રાસ હોવાથી મહાપાલિકાની કોન્ટ્રાક્ટ બેઇઝ પરની ઢોર પકડ પાર્ટી દ્વારા જાહેરમાં ઘણા સમયથી રખડતા પશુઓને પકડીને ઢોરને ડબ્બે પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આ ઢોર પકડ પાર્ટી સાથે ગેરવર્તન કરી બળજબરીથી બે મહિલાઓ ગાયને છોડાવી ગઈ અને સામાકાંઠે વિધુતનગરમાં ઢોર પકડતી પાર્ટી સાથે હંગામો કરી બાઈક ઢોર પકડેલી ટ્રોલી પર બુલેટ ચડાવી જ્યાં સુધી ગાયો ન છોડો ત્યાં સુધી બુલેટ નહિ ઉતારું તેવી એક શખ્સે ધમકી આપ્યાના આ બે બન્ને બનાવની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમજ આખલાને બદલે માત્ર ગાયોને જ પકડતી હોવાના આરોપ સાથે અમુક લોકો આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધીમાં 2025 પશુ પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડીને આસપાસની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમીટ અપાઈ છે. આ ઉપરાંત 31 નાગરિકોના પેટડોગ રજિસ્ટ્રેશન કર્યા છે. પશુ માલિકોને રજિસ્ટ્રેશન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગ રજિસ્ટ્રેશન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત કુલ મળીને 135 પશુપાલકોના 835 પશુઓના RFID તથા ટેગિંગ કરવામાં આવ્યું છે અને RFID તથા ટેગિંગની કામગીરી હજુ પણ ચાલી રહી છે.