Friday - May 01, 2026

વાંકાનેર હાઈવે પરથી રૂ.1.93 કરોડનો વિદેશી દારૂ ઝડપી લેતી મોરબી LCB

વાંકાનેર હાઈવે પરથી રૂ.1.93 કરોડનો વિદેશી દારૂ ઝડપી લેતી મોરબી LCB

મોરબી : મોરબી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચોટીલા-રાજકોટ હાઈવે પર દરોડો પાડીને કરોડો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે કુલ ₹2,18,55,560 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મોરબી LCB પીઆઈ M.P. Pandya અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક મોટા વાહનમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે હાઈવે પર આવેલી સુગર એન સ્પાઈસ હોટેલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ વાહનને અટકાવી તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વાહનમાંથી પંજાબની વિવિધ ડિસ્ટિલરીઝમાં બનેલો અને માત્ર પંજાબમાં વેચાણ માટે માન્ય હોય તેવો લાખોની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.

વાંકાનેર હાઈવે પરથી રૂ.1.93 કરોડનો વિદેશી દારૂ ઝડપી લેતી મોરબી LCB

આ તમામ જથ્થો પંજાબના મોહાલી, ભટીંડા અને બટાલા વિસ્તારની ડિસ્ટિલરીઝમાં બનેલો હોવાનું સામે આવ્યું છે. વિદેશી દારૂ/બિયરની બોટલો: 31,752 નંગ (કિંમત ₹ 1,93,47,360), ઝડપાયેલ વાહન: 01 (કિંમત ₹ 25,00,000), રોકડ રકમ: ₹ 3200, મોબાઈલ ફોન 1 (કિંમત ₹ 5000) મળી કુલ મુદ્દામાલ ₹ 2,18,55,560 સાથે પોલીસે સ્થળ પરથી વાહન ચલાવી રહેલા લલિતકુમાર પ્રતાપજી ખરાડી (રહે. ઝહેરાઝ, ઉદયપુર, રાજસ્થાન) ને ઝડપી લીધો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 03 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યો શખ્સ, વાહન નંબર RJ 14 GP 4506 નો માલિક અને આ જથ્થો મેળવનાર (રીસીવર) અજાણ્યા શખ્સનો સમાવેશ થાય છે.