Saturday - May 02, 2026

મોરબીના સિરામિક ઉદ્યોગની આપબળે વિશ્વ વિખ્યાત છતાં લેબ ટેસ્ટ કે ટ્રેનિંગ સેન્ટરથી વંચિત

મોરબીના સિરામિક ઉદ્યોગની આપબળે વિશ્વ વિખ્યાત છતાં લેબ ટેસ્ટ કે ટ્રેનિંગ સેન્ટરથી વંચિત

CSIR-CGCRI સાથેની બેઠકમાં સિરામિક ઉદ્યોગકારોએ સેન્ટર ફાળવવા કરી રજુઆત

મોરબી : મોરબી સિરામિક એસોસિએશન અને પંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ -થાનગઢની સંયુક્ત બેઠક CSIR-CGCRI - કલકત્તા સાથે યોજાઈ હતી. જેમાં સિરામિક ઉદ્યોગકારોએ આપબળે વિકાસ સાધી દેશ જ નહિ વિશ્વમાં પણ વિખ્યાત હોવા છતાં આ ઉધોગ માટે મહત્વની એવી મોરબીમાં કોઈ રિસર્ચ સેન્ટરની ન હોવાની વ્યથા ઠાલવી હતી. આ બેઠકમાં સીરામીક ઉધોગકારોએ રીસર્ચની ફેસિલીટી કે ટ્રેનીંગ સેન્ટર ન હોય CGCRI સમકક્ષ રીસર્ચ સંસ્થા સ્થાપવાની રજુઆત કરી હતી.

મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશનુ 90% સિરામિક પ્રોડક્ટ બનાવતુ હોય અને વિશ્વનુ બીજા નંબરનુ પ્રોડક્શન હબ હોય સિરામિક ઉદ્યોગમાં આ મુજબની કોઇ સગવડતા નથી. આ મીટીંગ CGCRIની પેટા શાખા મોરબી ખાતે સ્થાપવામાં આવે તેવી ભારપૂર્વક ચર્ચા અને રજુઆત કરવામાં આવી હતી. ક્લસ્ટરને વેગવંતુ બનાવવા માટે અને વૈશ્વિક જરુરીયાતને પહોંચી વળવા સ્કીલ અને તાલિમ કૌશલ્ય તથા રીસર્ચ અને ટ્રેનીંગ માટે આ મુજબની સંસ્થા અનિવાર્ય છે. જ્યારે ઉધોગ વૈશ્વિક લેવલે ચાઇના સાથે બાથભીડતો હોય આ મુજબની સંસ્થાની જરુરીયાત એ સમયની માંગ છે આ બાબતની ચર્ચા મીટીંગમાં થઇ હતી. આ ચર્ચાને અંતે ડીરેક્ટર બ્રીક્રમજીત બાસુએ આશ્વાસન આપ્યુ હતુ કે પ્રાઇમરી બેઇઝ પર આવી સંસ્થા મોરબીમાં શરુઆત કરવા માટે અમે પ્રયત્નો કરીશુ. મોરબીમાં શરૂઆતમાં પ્રાઇમરી બેઇઝ પર લેબ ટેસ્ટના સાધનો ફાળવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે તેવી ખાતરી આપી હતી.