Tuesday - Jun 02, 2026

મોરબી નશાના સકંજામાં સપડાયું : SOGએ હાઈબ્રીડ ગાંજા સાથે એક દબોચી લીધો

મોરબી નશાના સકંજામાં સપડાયું : SOGએ હાઈબ્રીડ ગાંજા સાથે એક દબોચી લીધો

રૂ.1.45 લાખનો મુદ્દામાલ કબ્જે, નશાના કાળા કારોબારમાં અન્ય એકનું નામ ખુલ્યું

મોરબી : મોરબી શહેર જિલ્લામાં યુવાધનને બરબાદ કરવા નશાનો કાળો કારોબાર છાનાખુણે ચાલી રહ્યો છે. જેમાં અવાર નવાર ગાંજાનો જથ્થો મળી રહ્યો છે ત્યારે મોરબી એસઓજી ટીમે જિલ્લામાં પ્રથમ કહી શકાય તેવો હાઈબ્રીડ ગાંજો ઝડપી લેવામાં સફળતા મેળવી છે. મોરબી એસઓજી ટીમે વજેપર વિસ્તારમાં દરોડો પાડી એક શખ્સને 1.992 કિલોગ્રામ સાદો ગાંજો તેમજ 11.37 ગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી લઈ એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે, શહેરના સાયન્ટિફિક રોડ પર વજેપર શેરી નંબર 23મા નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે.જે બાતમીને આધારે પોલીસે આરોપી દાઉદ અબ્બાસભાઈ ખુરેશીના વાડામાં દરોડો પાડતા વાડામાંથી 1.992 કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા 99,600, હાઈબ્રીડ ગાંજો 11.37 ગ્રામ કિંમત રૂપિયા 38,629, વજન કાંટા બે, પ્લાસ્ટિકની કોથળીઓ, ગાંજો વેચાણના રોકડા રૂ.1620 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5 હજાર મળી કુલ રૂપિયા 1,45,549નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછતાછમાં રાજકોટના ગામીત નામના શખ્સનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.