Wednesday - Jun 03, 2026

મોરબીમાં એક એપાર્ટમેન્ટના ચોથા માળે આગ ભભૂકી, સદનસીબે જાનહાની ટળી

મોરબીમાં એક એપાર્ટમેન્ટના ચોથા માળે આગ ભભૂકી, સદનસીબે જાનહાની ટળી

કિચનની ચીમનીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન

મોરબી : મોરબી શહેરની અવની ચોકડી પાસે આવેલ જલસા નામના એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 4 માળના આ એપાર્ટમેન્ટના 4થા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પરંતુ સદનસીબે આ આગની ઘટનામાં જાનહાની થઈ નથી.

અવની ચોકડી પાસે આવેલ જલસા નામના એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ફ્લેટના કિચનના ભાગમાં રહેલી ચીમનીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટના પગલે તાત્કાલિક ધોરણે મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચતા આગ કાબુમાં આવી ગઈ હતી. બાદમાં તુરંત ગેસની લાઈન અને ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી અને સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી છે.