Saturday - May 16, 2026

મોરબીમાં 51 કોમ્પ્લેક્સ અને 19 સમાજવાડીઓમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી હાથ ધરાઈ

મોરબીમાં 51 કોમ્પ્લેક્સ અને 19 સમાજવાડીઓમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી હાથ ધરાઈ

૨૭/૦૮ થી ૦૨/૦૯ દરમિયાન ૧૬૯૫ બાળકોને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાઈ

મોરબી : મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તાજેતરમાં ફાયર સેફ્ટી જાગૃતિ અને અમલીકરણ માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત, તા. ૨૭/૦૮/૨૦૨૫ થી ૦૨/૦૯/૨૦૨૫ દરમિયાન ૪ શાળાઓના ૧૬૯૫ બાળકોને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરની સમાજવાડીઓ, કોમ્પ્લેક્સ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી ઇમારતોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ ચેકિંગ દરમિયાન, જે બિલ્ડિંગો પાસે ફાયર NOC ન હતું તેમને નોટિસ આપવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શિકા પણ પૂરી પાડવામાં આવી હતી. અગાઉ આપવામાં આવેલી નોટિસના પરિણામે, ૫૧ કોમ્પ્લેક્સ અને ૧૯ સમાજવાડીઓમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વધુમાં, આ સપ્તાહમાં ૭ ફાયર સેફ્ટી પ્લાન મંજૂરી માટે અરજીઓ પણ આવી હતી, જે આર.એફ.ઓ. કચેરીમાં મોકલવામાં આવી છે.

જેલ રોડ પર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના અભાવને કારણે અગાઉ ત્રણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેને અવગણતા તા. ૨૮/૦૮/૨૦૨૫ ના રોજ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું હતું. જોકે, ફાયર સિસ્ટમ લગાવવાનું કામ શરૂ કરવા માટે તા. ૦૧/૦૯/૨૦૨૫ ના રોજ સીલ ખોલી દેવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં કુલ ૪ રેસ્ક્યૂ કોલ આવ્યા હતા, જેમાં ફાયર વિભાગના જવાનોએ આધુનિક સાધનોનો ઉપયોગ કરીને સફળ કામગીરી કરી હતી. કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં, નાગરિકોને મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ અથવા ૧૧૨ પર સંપર્ક કરવા ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયું છે.