Sunday - May 10, 2026

મોરબી - ટંકારામા SMCએ પકડેલો વિદેશી દારૂ નકલી હોવાનો ઘટસ્ફોટ, સૂત્રધાર ઝડપાયો

મોરબી - ટંકારામા SMCએ પકડેલો વિદેશી દારૂ નકલી હોવાનો ઘટસ્ફોટ, સૂત્રધાર ઝડપાયો

મોરબી : ટંકારા તાલુકાના લજાઈ તેમજ મોરબીના શનાળામા ગાંધીનગરની સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે બે અલગ અલગ દરોડામાં ભાડાના ગોડાઉનમાંથી ઝડપી લીધેલ વિદેશી દારૂનો જંગી જથ્થો ડુપ્લીકેટ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બન્ને દરોડાની તપાસ કરી રહેલ મોરબી ક્રાઇમબ્રાન્ચે મુખ્ય સૂત્રધાર એવા રાજસ્થાની શખ્સને ઝડપી લેતા આ રાજસ્થાની શખ્સે ખોટા નામે ગોડાઉન ભાડે રાખયાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૨૩/૦૧/૨૦૨૫ ના રોજ ટંકારાની લજાઇ જી.આઇ.ડી.સી.માં સંકલ્પ ગોડાઉનની સામે આવેલ બંધ ગોડાઉનમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની ૨૧૪૭ બોટલ કિંમત રૂપિયા ૧૧,૮૧,૪૧૪ તેમજ તા.૨૬/૦૧/૨૦૨૫ના રોજ શક્ત શનાળા નજીક રાજપર ગામ તરફ રોડ ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટની પાછળના ભાગે ભુમી નામના ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂની ૧૭૫૧૪ બોટલ કિમત રૂ. ૭૬,૩૯,૦૯૨ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૧૧,૯૪,૨૧૨ નો મુદામાલ કબ્જે કરી ચાર આરોપીઓને પકડી પાડી કુલ-૧૧ આરોપીઓ વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
વધુમાં આ બન્ને ગુન્હાઓની તપાસ મોરબી ક્રાઇમબ્રાન્ચને સોંપવામાં આવતા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર, કબ્જે કરેલ વાહન માલીકો તથા ચાલક તેમજ ઇંગ્લીશ દારૂની ડીસ્લરી વાઇઝ તપાસ કરતા મળી આવેલ બિલ્ટી તથા ગોડાઉન ભાડેથી રાખનાર કમલેશ હનુમાનરામ રહે. અડાસર બિકાનેર રાજસ્થાન વાળાને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક તથા રાજસ્થાન રાજ્યમાં તપાસ કરાવતા બન્ને ગુન્હામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ તે તમામ દારૂ ડુપ્લીકેટ હોવાનુ તેમજ કબ્જે કરેલ બિલ્ટી ખોટી હોવાનુ તેમજ કબ્જે કરેલ વાહનો પણ ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી ખરીદ કરેલ હોવાનુ તેમજ ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રહે અડાસર બિકાનેર રાજસ્થાન નામની કોઇ વ્યક્તી નહી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
બીજી તરફ લજાઈ અને શનાળા નજીક ભાડા કરારથી ગોડાઉન ભાડે રાખનાર વ્યક્તીએ પોતાની ખોટી ઓળખ આપી ખોટા આધારકાર્ડ બનાવી તેમજ ખોટી સહીઓ કરી આ બન્ને ગોડાઉન ભાડે રાખેલ હોવાનું સામે આવ્યા બાદ તપાસ કરતા હકીકતમાં કમલેશ હનુમાનરામ નામની વ્યક્તિ હકીકતમાં જગદીશ ઉર્ફે જેડી પપ્પુરામ સાહુ રહે.મેઘાવા જિલ્લો જાલોર, રાજસ્થાન નામનો શખ્સ હોવાનું ખુલતા આરોપી જગદીશ ઉર્ફે જેડીને મોરબી ક્રાઇમબ્રાન્ચે રાજસ્થાનના ગાંધવ બાકસરા વિસ્તારમાંથી ઝડપી લઈ અટકાયતમાં લીધો હતો.