ગુજરાત વોરિયર્સ (રોર ક્રિકેટ ક્લબ) બની ચેમ્પિયન, ફાઇનલમાં ઝારખંડને હરાવ્યું.
ભોપાલ:મધ્યપ્રદેશના ભોપાલ ખાતે રમાયેલી પ્રતિષ્ઠિત ‘ભોપાલ પ્રીમિયર લીગ સીઝન-3’ માં મોરબીની ટીમે વિજયપતાકા લહેરાવી છે. મોરબીની રોર ક્રિકેટ ક્લબ, જે આ ટુર્નામેન્ટમાં ‘ગુજરાત વોરિયર્સ’ ના નામે રમી રહી હતી, તેણે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરી ખિતાબ પોતાના નામે કર્યો છે.
અજેય રહીને જીત્યું ટાઇટલ
ઉડાન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ પર યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ત્રણ અલગ-અલગ રાજ્યોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાતના મોરબીની રોર ક્રિકેટ ક્લબે ફાઇનલ સહિત કુલ પાંચ મેચ રમી હતી અને પાંચેય મેચોમાં જીત મેળવી અજેય રહી ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે.
ફાઇનલ મેચનો રોમાંચ
ફાઇનલ મેચમાં ગુજરાત વોરિયર્સનો સામનો ઝારખંડની ટીમ સામે થયો હતો. મોરબીની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી અને શિસ્તબદ્ધ બોલિંગના જોરે વિપક્ષી ટીમને માત્ર 148 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. 149 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત વોરિયર્સની ટીમે માત્ર 12 ઓવરમાં આક્રમક બેટિંગ કરી મેચ સરળતાથી જીતી લીધી હતી.
વ્યક્તિગત શ્રેણીમાં પણ મોરબીના ખેલાડીઓ છવાયા
ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને વિવિધ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા:
* મેન ઓફ ધ મેચ: પ્રણવ જોશી (ફાઇનલમાં માત્ર 21 બોલમાં 46 રન)
* પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ: અંશ ભાકર
* બેસ્ટ ફિલ્ડર: ગોપાલ ગંગોરા
* બેસ્ટ બોલર: વર્ચસ્વ શર્મા
* બેસ્ટ વિકેટકીપર: યક્ષ ગોધાણી (કેપ્ટન, ગુજરાત વોરિયર્સ)
આ અંગે ટીમના મુખ્ય કોચ ડૉ. અલી ખાને ગૌરવ સાથે માહિતી આપી હતી કે, આ જ ટીમે અગાઉ 2022માં ભોપાલ પ્રીમિયર લીગની પ્રથમ સીઝન પણ જીતી હતી. ઈનામ વિતરણ સમારોહમાં રાજ્ય કમિશનર શ્રીમતી શાખા વાલા, મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ અને આજીવન સભ્ય બાબા સાહેબ, સેન્ડ મોન્ટફોર્ટ સ્કૂલના આચાર્ય બ્રધર મેથ્યુઝ અને ભોપાલ એકેડેમીના પ્રમુખ શ્રી નારાયણ સિંહ કુશવાહા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા.