Friday - Jul 03, 2026

મોરબી જિલ્લા પંચાયતનું રૂ.૭૭૬ કરોડથી વધુનું જમ્બો કદનું બજેટ

મોરબી જિલ્લા પંચાયતનું રૂ.૭૭૬ કરોડથી વધુનું જમ્બો કદનું બજેટ

સ્વભંડોળનું રૂ. ૨૨ કરોડ ૮૩ લાખ જેટલું બજેટ, આવક રૂ. ૧૭ કરોડ ૭૮ લાખ રહેવાની ધારણા

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ હંસાબેન જેઠાભાઇ પારેઘી અને સચિવ તથા જિલ્લા વિકાસ અધિકારી એન.એસ ગઢવી સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં જિલ્લા પંચાયત દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નું સુધારેલ અંદાજપત્ર અને વર્ષ ૨૦૨૬-૨૭નું નવું અંદાજપત્ર (બજેટ) રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ રૂપિયા ૭૭૬ કરોડ ૯૭ લાખનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળના ૨૨ કરોડ ૮૩ લાખના બજેટનો પણ સમાવેશ થાય છે. આ બજેટને મંજૂરી મળી છે.

સામાન્ય સભામાં મોરબી જિલ્લાના વિકાસને લગતા વિવિધ કાર્યસૂચિના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વના મુદ્દા તરીકે મોરબી જિલ્લા પંચાયતનું સને ૨૦૨૫-૨૬ નું સુધારેલ અને આગામી સને ૨૦૨૬-૨૭ નું અંદાજપત્ર (બજેટ) મંજુર કરવામાં આવ્યું હતું. બજેટની વિગતો અનુસાર, જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં વર્ષ ૨૦૨૬-૨૭ની ખુલતી સિલક રૂપિયા ૭ કરોડ ૬૬ લાખ અને આવકનો અંદાજ રૂપિયા ૧૭ કરોડ ૭૮ લાખ રહેવાની ધારણા છે. આ બંને મળીને કુલ રૂપિયા ૨૫ કરોડ ૪૫ લાખનું ભંડોળ ઉપલબ્ધ છે. જેમાંથી વર્ષ દરમિયાન ૨૨ કરોડ ૮૩ લાખ રૂપિયાના ખર્ચનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જેથી વર્ષના અંતે રૂપિયા ૨ કરોડ ૬૧ લાખની પુરાંત રહેશે.

આ સભામાં અગાઉની સામાન્ય સભા અને વિવિધ સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધ અને ઠરાવોની અમલવારીને બહાલી આપવામાં આવી હતી. સભામાં સદસ્યો માટે એક કલાકનો સમય પ્રશ્નોતરી માટે ફાળવવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના સ્વભંડોળ, રેતી રોયલ્ટી અને ૧૫માં નાણાપંચ (જિલ્લા કક્ષાના ૧૦%) ના રજૂ થયેલ હેતુફેર અને નવા કામોને સૈદ્ધાંતિક તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની સ્વૈચ્છિક ગ્રાન્ટના કામોને બહાલી આપવામાં આવી હતી.

● પંચાયત અને વિકાસ ક્ષેત્ર: રૂ. ૧૦૩૨.૮૩ લાખ
● બાંધકામ ક્ષેત્ર: રૂ. ૩૯૧.૬૫ લાખ
● શિક્ષણ ક્ષેત્ર: રૂ. ૨૬૩.૦૦ લાખ
● સામાન્ય વહીવટ ક્ષેત્રનો ખર્ચ: રૂ. ૧૬૭.૦૦ લાખ
● સમાજકલ્યાણ ક્ષેત્ર: રૂ. ૧૨૦ લાખ
● પ્રકિર્ણ યોજનાઓ અને કાર્યો: રૂ. ૧૦૩.૨૦ લાખ
● કુદરતી આફતો માટે: રૂ. ૭૬ લાખ
● સિંચાઈ ક્ષેત્ર: રૂ. ૫૪.૫૦ લાખ
● આરોગ્ય ક્ષેત્ર: રૂ. ૪૨.૭૧ લાખ
● ખેતીવાડી ક્ષેત્ર: રૂ. ૧૫.૧૦ લાખ
● ICDS માટે: રૂ. ૧૦.૦૦ લાખ
● પશુપાલન ક્ષેત્ર: રૂ. ૬.૩૦ લાખ

આ બજેટમાં પંચાયતની કામગીરી ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ પ્રવૃત્તિઓ અને સરકારે મંજૂર કરેલ રસ્તા, સિંચાઈ અને અન્ય સુપરત કરાયેલા કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ કેન્દ્રીય નાણાપંચ તરફથી મળતી સહાયમાંથી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.