Saturday - May 02, 2026

મોરબી જિલ્લા કડવા પાટીદાર સમાજનો ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ અને સ્નેહમિલન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા કડવા પાટીદાર સમાજનો ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ અને સ્નેહમિલન સમારોહ યોજાયો

ઉમા સંસ્કાર ધામ ખાતે પ્રથમ પટોત્સવમાં યજ્ઞ, આનંદનો ગરબો, સ્નેહમિલન મહા પ્રસાદ, ઉમા સંસ્કાર દર્શન અંક વિમોચન, રાસ ગરબાની રમઝટ જેવા કાર્યક્રમો યોજાયા: રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન કરાયું

મોરબી: મોરબીના રાજકોટ હાઇવે પર કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ભવ્યાતિભવ્ય ઉમા સંસ્કાર ધામનું નિર્માણ થયેલું છે, આ ધામ દ્વારા વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રકલ્પો દ્વારા જનસેવા કરવામાં આવે છે. ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો. જેમાં સવારે 8:00 વાગ્યાથી 11:00 સુધી કુંડી હવન જપ તપ યજ્ઞ, બપોરે 2:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી 1000 જેટલી બહેનોએ આનંદના ગરબામાં માતાજીના ગુણગાન ગાયા હતા, સાંજે 5.00 વાગ્યે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી જિલ્લા કડવા પાટીદાર સમાજનો ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ અને સ્નેહમિલન સમારોહ યોજાયો

સ્નેહમિલન કાર્યક્રમમાં ઉમા સંસ્કાર ધામના સેવાકીય પ્રકલ્પોને ઉજાગર કરવામાં આવ્યા હતા. જેમાં ઉમા આદર્શ લગ્નની પ્રથમ વર્ષે જ 389 જેટલા લગ્નો સાથે ભવ્ય સફળતા મેળવી એમાંથી પ્રેરણા લઈ અન્ય જિલ્લાઓમાં પણ લોકો આ જ પેટનથી લગ્નો યોજવા લાગ્યા, પ્રથમ વર્ષે જ ઉમા હોલમાં 267 જેટલા લગ્ન, રાંદલ ઉત્સવ જેવા પ્રસંગો લેવાયા જેની આવક ઉમા આદર્શ લગ્નમાં વાપરવામાં આવે છે. 36 જેટલા એસી રૂમ ધરાવતું ગેસ્ટ હાઉસ, ઉમા મેડિકલ સ્ટોરમાં રાહત દરે દવા, ઉમા લેબોરેટરી રાહત દરે રિપોર્ટ, ઉમા ક્લિનિકમાં રાહતદરે સારવાર, ઉમા રંગ ભવન, કોરોના કાળમાં 2000 જેટલા દર્દીઓની કરેલ સેવા સુસુશ્રા,અમદવાદ ખાતે પ્રાઈમ લોકેશનમાં સેફટી અને સિક્યુરિટીમાં 144 દિકરીઓ નિવાસ કરી શકે એવી આધુનિક હોસ્ટેલનું નિર્માણ કરેલ છે,તેમજ આગામી દિવસોમાં આવી જ રીતે 700 દિકરા-દિકરીઓ નિવાસ કરી શકે એવા છત્રાલયના નિર્માણની જાહેરાત કરવામાં આવી. પાટીદાર કેરિયર એકેડમીમાં ટૂંકમાં ગાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 354 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પરીક્ષાઓ આપેલ છે, ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રેર્નીગમાં 394, બ્યુટી પાર્લરની ટ્રેનિંગમાં 170,બેઝિક કમ્પ્યુટર ટ્રેનિંગમાં 75 ભાઈ બહેનોએ લાભ લીધેલ છે. તેમજ ધો.9 થી સ્નાતક અનુસ્નાતકમાં 7000 જેટલી સર્વ સમાજની દિકરીઓ આ સંસ્થામાં અભ્યાસ કરી રહી છે, તેમજ પાટીદાર જન સેવા કેન્દ્રની શરૂઆત થઈ એને માત્ર 58 દિવસ થયા એમાં જુદી જુદી સરકારી યોજનાઓના 850 જેટલા અરજદારોને ફોર્મ ભરી આપ્યા અંગે માહિતી આપી હતી. અને સમાજ શ્રેષ્ઠીઓના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
 

મોરબી જિલ્લા કડવા પાટીદાર સમાજનો ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ અને સ્નેહમિલન સમારોહ યોજાયો

તાજેતરમાં મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ, કૌશલ, રોજગાર વિભાગના રાજયકક્ષાના મંત્રી તરીકે નિયુક્તિ થતા સમસ્ત પાટીદાર સમાજ વતી એમનું અદકેરું સન્માન કરાયું હતું. ઉમા સંસ્કાર ધામ દ્વારા થતા વિવિધ સેવાકીય પ્રકલ્પોની વિગતો, સામાજિક ઉત્થાન માટેના લેખો, પ્રેરક પ્રસંગો, વિશિષ્ટ પ્રતિભા,પાટીદાર સમાજની જુદી જુદી સંસ્થાઓનો પરિચય વગેરે લેખો સાથેનો "ઉમા સંસ્કાર દર્શન" ત્રિમાસિક અંક બહાર પાડવાનો હોય અંકની પ્રતનું મહાનુભાવો કર કમલોથી વિમોચન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ઉમિયા ધામ સિદસર તેમજ અમદાવાદથી અખીલ ભારતીય પાટીદાર સમાજના અગ્રણીઓ પધાર્યા હતા.
 

મોરબી જિલ્લા કડવા પાટીદાર સમાજનો ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ અને સ્નેહમિલન સમારોહ યોજાયો

કાર્યક્રમની શરૂઆતમાં બેચરભાઈ હોથીએ સૌનું શાબ્દિક સ્વાગત કરી નુતનવર્ષની શુભેચ્છા પાઠવી હતી, ત્યારબાદ ત્રમ્બકભાઈ ફેફરે સંસ્થાની ગતિ ગરિમાની જાણકારી આપી હતી, ત્યારબાદ દિનેશભાઈ વડસોલાએ સેવાકીય પ્રકલ્પોના હેતુ,જરૂરિયાત આઉટ પુટ વિશેની વાત કરી આંકડાકીય વિગતો રજૂ કરી હતી, જેરામભાઈ વાંસજાળિયા, જયસુખભાઈ પટેલ, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વગેરેએ મોરબી જિલ્લા પાટીદાર સમાજની ઉમા સંસ્કાર ધામની સેવાને બિરદાવી હતી. આ તકે દિલેર દતાઓનું મહાનુભાવોના હસ્તે અદકેરું સન્માન કરાયું હતું. સ્નેહમિલન સમારોહ બાદ મહાપ્રસાદ લેવામાં આવ્યો હતો, અને રાત્રે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ સમગ્ર પ્રસંગમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી ખુબજ બહોળી સંખ્યામાં કડવા પાટીદાર પરિવારના શ્રેષ્ઠીઓ, સમાજના દિલેર દાતાઓ, મોરબી જિલ્લાની તમામ પાટીદાર સંસ્થાના અગ્રણીઓ, સિરામિક એસોસિએશનના અગ્રણીઓ, ભાઈઓ બહેનો વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ માટે બેચરભાઈ હોથી, પ્રમુખ, ત્રમ્બકભાઈ ફેફર ઉપ પ્રમુખ,એ.કે.પટેલ ચેરમેન તેમજ અરુણભાઈ વિડજા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી,સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન દિનેશભાઈ વડસોલા અને એમ.વી.દલસાણીયાએ કર્યું હતું.

મોરબી જિલ્લા કડવા પાટીદાર સમાજનો ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ અને સ્નેહમિલન સમારોહ યોજાયો