મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં કાયમી ડોકટરો ન હોવાથી અગાઉ સિલિકોસિસની યોગ્ય સારવાર ન મળતા 7ના મોત થયા હોય અને હાલ 100થી વધુ સિલિકોસિસ પીડિતો હોય અને આ ગંભીર રોગમાંથી સ્વસ્થ કરવા તેમની યોગ્ય સારવાર મળી રહે એ જરૂરી હોવાથી મોરબી સિવિલ હોસ્પિટલમાં સિલિકોસિસની સારવાર આપવામાં માટે કાયમી નિષ્ણાત તબીબોની નિમણૂક કરવાની માંગણી સાથે સિલિકોસિસ પીડિત સંઘ મોરબી દ્વારા કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી અને સિવિલ હોસ્પિટલ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
સિલિકોસિસ પીડિત પરિવારોની મુશ્કેલીઓના નિવારણ માટે સિલિકોસિસ પીડિત સંઘ મોરબીએ આવેદનમાં જણાવ્યું હતું કે, સિલિકોસિસ પીડિતોની સારવાર માટે હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં કાયમી ફેફસાં નિષ્ણાત ડૉક્ટરની નિમણૂક કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. સિવિલ હોસ્પિટલમાં ફેફસાં જેવી ગંભીર બીમારીઓના દર્દીઓ વધુ આવતા હોવા છતાં આ બીમારીના નિષ્ણાત તબીબ ન હોવાથી ખાસ કરીને મોંઘી ખાનગી હોસ્પિટલમાં સારવાર ન લઈ શકે તેવા સામાન્ય ગરીબ વર્ગના દર્દીઓ મુશ્કેલીમાં મુકાય જાય છે. ઘણીવાર ફેફસાના રોગોની યોગ્ય સારવાર ન મળતા આવા દર્દીઓ રિબાઈ રિબાઈને મૃત્યુ પામે છે. જો કે હાલની 20 નંબરની ઓપીડીમાં માત્ર ઇન્ટર્ન ડૉક્ટરો હોવાથી યોગ્ય નિદાન થતું નથી. કલેક્ટરનો મફત સારવારનો આદેશ હોવા છતાં નિષ્ણાત તબીબની નિમણૂક ન કરીને કલેકટરના હુકમ સરેઆમ ઉલાળીયો કરવામાં આવ્યો છે. નિષ્ણાત ડોક્ટર ન હોવાથી દર્દીઓની કલ્પના ન કરી શકાય તેવી હાલત થઈ જાય છે. વધુમાં ઉમેર્યું હતું કે, ગત તા.7/1ના રોજ કલેક્ટરને 7 માગણીઓ રજૂ કર્યા બાદ ચાલુ વર્ષમાં માર્ચથી ઓગસ્ટ એમ 6 મહિનામાં જ સંઘના 7 સભ્યોના નિષ્ણાત તબીબના અભાવે સિલિકોસિસના કારણે અકાળે મોત થયા હતા. આવા સંજોગોમાં વધુ કોઈનો ભોગ ન લેવાય તે માટે સંઘે તેમની 7 માગણીઓ પૈકી અંત્યોદય રેશન કાર્ડના મુદ્દાને પ્રથમ અગ્રતા આપીને સિવિલમાં ફેફસાના નિષ્ણાતની નિમણૂક કરવાથી આ પગલું સિલિકોસિસ પીડિતોને તેમની જીવનની જરૂરીયાતો પૂરી કરવામાં અને સુરક્ષિત જીવન જીવવામાં મદદરૂપ થશે તેમ અવેદનમાં જણાવ્યું હતું.