મોરબી સહિત રાજ્યભરમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગણી
આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી
મોરબી : મોરબી જિલ્લા સહિત ગુજરાત રાજ્ય ભરના વકીલો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગણી સાથે મેદાને આવ્યા છે અને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે કલેકટરને આવેદન આપી જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
મોરબી જિલ્લા બાર એસોસિએશનના એડવોકેટોએ મોટી સંખ્યામાં વકીલ એકતા જીંદાબાદની નારેબાજી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગણી કરી હતી. રાજ્યમાં વકીલો ઉપર હુમલોના જઘન્ય બનાવો વધી રહ્યા છે. ન્યાય માટે લડત ચલાવતા વકીલોનો ઘણીવાર ભોગ પણ લેવાય છે. આ રીતે વકીલોની સુરક્ષા હવે રહી નથી. તેથી વકીલોની સુરક્ષા માટે અન્ય રાજ્યોમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ થઈ ગયો હોય તો ગુજરાતમાં કેમ નહિ ? આથી ગુજરાતમાં પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરી જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.