મોરબી : મોરબી શહેર તેમજ વાંકાનેર તાલુકામાં પાછલા બે વર્ષમાં અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીને અંજામ આપનાર તસ્કર હાલમાં મોરબી આવ્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે મણીમંદિર નજીકથી દબોચી લઈ પૂછતાછ કરતા આરોપીએ ત્રણ ચોરીની કબુલાત આપી સવા લાખનો મુદ્દામાલ કાઢી આપ્યો હતો.
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોરબી શહેરમા તેમજ વાંકાનેરમાં ત્રણ ઘરફોડ ચોરી કરનાર આરોપી હાલમાં મોરબીના બેઠા પુલ નજીક મણીમંદિર પાસે છે જે બાતમીને આધારે દરોડો પાડી પોલીસે આરોપી અંકિત મહાદેવભાઈ વિકાણી રહે.હાલ ગોંડલ ચોકડી, રાજકોટ, મૂળ રહે.નસીતપર તા.ટંકારા વાળાને ઝડપી લઈ તલાશી લેતા આરોપી પાસેથી એક લાખ રોકડા તેમજ 25 હજારના ચાંદીના સિક્કા મળી આવતા પોલીસે આરોપીને અટકાયતમાં લીધો હતો. આરોપી અંકિતે પોલીસ સમક્ષ અગાઉ 2023મા મોરબીમાં એક તેમજ વર્ષ 2023-2024મા વાંકાનેરમાં અલગ અલગ બે ચોરી કરી હોવાની કબૂલાત આપતા હાલ સીટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો. આ રીઢો તસ્કર દિવસે રેકી કરી બંધ મકાન, કારખાના, ઓફીસ દુકાનોમા ચોરી કરતો હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.