Monday - May 04, 2026

મોરબી: ૧૧ લાખની બાકી ઉઘરાણીમાં યુવકનું કારમાં અપહરણ કરી બેફામ માર માર્યો,

મોરબી: ૧૧ લાખની બાકી ઉઘરાણીમાં યુવકનું કારમાં અપહરણ કરી બેફામ માર માર્યો,

કારખાનામાં ગોંધી રાખ્યો – પાંચ આરોપીઓની ધરપકડ

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા યુવાને બે વર્ષ પૂર્વે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યા બાદ ધંધામાં રૂપિયા ૧૧ લાખની ખોટ જતા ભાગીદારે ખોટના રૂપિયા આપવા દબાણ કરતાં ઘર છોડી ડ્રાઇવિંગ કરવાનું શરૂ કર્યું હતું. જોકે ગત તારીખ 16 ના રોજ પૂર્વ ભાગીદારે યુવકને ભક્તિનગર સર્કલ પાસે મંડપના ગોડાઉન ખાતેથી અપહરણ કરી બેફામ માર મારી જાંબુડીયા નજીક કારખાનામાં ગોંધી રાખતા આ ચકચારી બનાવમાં સામેલ પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

જો બનાવની મળતી માહિતી મુજબ વાત કરીએ તો મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવતા વિશાલ રાજેશભાઈ ઉંમર વર્ષ 29 નામના યુવકે આરોપી ગીરીશ મગનભાઈ આંખજા રાજુભાઈ ઝાલા ભરતભાઈ બાટી અલ્તાફ જીવાણી અને ઇમરાન ઉર્ફે ગટી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે બે વર્ષ અગાઉ ફરિયાદીએ આરોપી ગિરીશ આંખજા સાથે ભાગીદારીમાં રફાળીયા ખાતે ધંધો શરૂ કર્યો હતો જેમાં રૂપિયા 11 લાખની ખોટ જતા કંપની બંધ કરી દીધી હતી જોકે ભાગીદારીમાં ખોટ આવ્યા બાદ આરોપી ગીરીશ અવારનવાર ફોન કરીને તેમજ રૂબરૂ ઉઘરાણી કરતો હોય ફરિયાદી વિશાલે ફોન નંબર બદલી ડ્રાઇવિંગ શરૂ કર્યું હતું,

દરમિયાન પૂર્વ ભાગીદાર ગીરીશ આંખજાના ત્રાસ અને પઠાણી ઉઘરાણીને કારણે વિશાલે ઘેર જવાનું બંધ કરી દીધું હતું જેમાં ગત તારીખ 16 ના રોજ ફરિયાદી વિશાલ ભક્તિનગર સર્કલ પાસે તેના મિત્રના મંડપ સર્વિસના ગોડાઉન ખાતે જતા આરોપી ગીરીશ, રાજુ ઝાલા, ભરત બાટી ઇમરાન ઉર્ફે ગટી અને અલ્તાફ જીવાણી GJ 36 AF 8771 નંબરની ક્રેટા કાર સાથે ધસી આવ્યા હતા અને ગોડાઉનમાં હથોડા અને કોષ વડે માર મારી બાદમાં કારમાં અપહરણ કરી જાંબુડીયા નજીક આવેલ એક કારખાને લઈ જઈ ત્યાં ગોંધી રાખ્યો હતો આરોપીએ કોઈપણ ભોગે રૂપિયા પરત આપવાનું કહી બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી પાંચેય આરોપીઓને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે.