મોરબી: મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન કોલસા મીલના મશીનના પટ્ટામાં સગીર ફસાઈ ગયો હતો જેથી તેને બગલ, હાથ અને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી માટે તે સગીરને સારવાર માટે પ્રથમ મોરબી ત્યાંથી રાજકોટ અને ત્યારબાદ તેના વતનમાં લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન સગીરનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક સગીરના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મશીનના ઓપરેટર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને ત્યાં બરવાણી કોતવાલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રશાંત મિશ્રાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બ્રિજેન્દ્ર રાજવત રહે. કજારીયા સલ્ફર ટાઈલ્સ ફેક્ટરી લખધીરપુર રોડ મોરબીવાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે ગત તા. 18/11/2025 ના રોજ વિશાલ, સુરેશ અને ફરિયાદીનો સગીર ભાઈ લખધીરપુર રોડ પર આવેલ કજારીયા સલ્ફર ટાઈલ્સ ફેક્ટરીમાં હતા ત્યારે ત્યાં રાત્રિના 9:30 આસપાસ કોલસો પૂરો થઈ ગયો હતો જેથી આરોપી બ્રિજેન્દ્ર રાજવતને મિલ બંધ કરી દેવા માટે થઈને કહ્યું હતું અને ટ્રેક્ટરના ડ્રાઈવરને સાથે લઈ જવા માટે સુરેશે તેને કહ્યું હતું.
જોકે કોલસા મિલમાં મશીનના ઓપરેટર આરોપી બ્રિજેન્દ્ર દ્વારા બેદરકારી રાખવામાં આવી હતી અને ફરિયાદીનો ભાઈ વિશ્વાસ (11) કોલસા મિલના પટ્ટામાં ફસાઈ ગયો હતો જેથી તેને બગલ, હાથ અને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી માટે તેને સારવારમાં પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ અને ત્યાર બાદ તેના વતનમાં લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન સગીરનું તા.25/11/2025ના રોજ મોત નીપજ્યું હતું. જેથી કોલસા મશીનના ઓપરેટરની બેદરકારીને કારણે વિશ્વાસનું મશીનના પટ્ટામાં આવી જવાથી ઈજા થવાના લીધે મોત નીપજ્યું હોય હાલમાં ભોગ બનેલા સગીરના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મશીનના ઓપરેટર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.