ભારે પવન અને વરસાદને પગલે ઠેરઠેર વીજળી ગુલ આજે પણ સવારથી જ ઘણા વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ્પ
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સોમવારે રાત્રે વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ બાદ ચોમાસા જેવા માહોલમાં વચ્ચે ગઈકાલથી ગાજવીજ અને તોફાની પવન સાથે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં બે મીમીથી લઈ પોણો ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
મોરબી જિલ્લામાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી વહી નીકળ્યા હતા અને ભર ઉનાળે ચોમાસાની જેમ વરસાદે રમઝટ બોલાવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગતરાત્રીના સમયે મોરબી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સતાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં 2 મીમીથી લઈ 17 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં હળવદમા 17 મીમી, મોરબી અને વાંકાનેરમાં 10 મીમી, ટંકારામાં 9 મીમી તેમજ માળીયા મિયાણામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ખેડાના કપડવંજમાં 40મીમી વરસાદ નોંધાયો હતો. ગતરાત્રે ભારે પવન અને વરસાદ પડતાં ઠેરઠેર વીજળી વેરણ બની હતી અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ સર્જાયો હતો. રાત્રે ગરમ બફારો અને બહાર વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે છાંટા પડતા જ અનેક વિસ્તારોમાં ફરી વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો.