મોરબી : મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમના વીજ કનેક્શનમાં ખામી સર્જાતા સામાંકાંઠા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી અને સામાકાંઠાના અનેક વિસ્તારોમાં ગઈકાલે પાણી આવ્યું ન હતું. જ્યારે આજે પણ મોરબીના અનેક વિસ્તારોમાં આજે પાણી કાપ લદાયો હોય અને વીજ કનેક્શનની મરમત ચાલુ હોવાનું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
મોરબીમાં ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગઈકાલે રાત્રે મોરબીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો જ્યારે બીજી તરફ ગઈકાલે મોરબીના અનેક વિસ્તારોમાં પાણી આવ્યું ન હતું. લોકોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ મોરબીના સામાંકાંઠે આવેલા અનેક વિસ્તારોમાં મચ્છુ ડેમમાંથી રાત્રે પાણી વિતરણ થાય છે. પણ ગઈકાલે સાંજે પાણી આવ્યું ન હોવાથી લોકોને રાતભર ઉજાગરો થયો હતો. જો કે મચ્છુ -2 ડેમના વીજ કનેક્શનમાં ફોલ્ટ થવાથી પાવર ન હોય પાણી વિતરણ થઈ શક્યું ન હતું. આ અંગે ડેપ્યુટી એન્જી. પિયુષ મકવાણાના જણાવ્યા અનુસાર ગઈકાલે ભારે પવનને કારણે મચ્છુ-2 ડેમના વીજ કનેક્શનમાં ખામી આવી હતી.આ મામલે પીજીવીસીએલ અને કોર્પોરેશનને જાણ કરતા તેમની ટિમો સ્થળ ઉપર દોડી આવી રીપેરીંગ કામ હાથ ધર્યું છે. આજે સાંજે 4થી 5 વાગ્યા સુધી કામ ચાલે તેવી શકયતા છે.
જેને કારણે મોરબીના અનેક વિસ્તારોમાં આજે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે. નઝરબાગ લાઈનમાં 28 MLD પાણી વિતરણ થાય છે તે ચાલુ રહેશે. જ્યારે ગૌશાળા લાઈનમાં 50 MLD પાણી વિતરણ થાય છે તે આજે બંધ રહેશે.