Tuesday - Jul 28, 2026

મોરબીના રવાપર ચોકડી પાસે કેનાલમાં પડેલા ખૂંટિયાનું રેસ્ક્યુ કરાયું

મોરબીના રવાપર ચોકડી પાસે કેનાલમાં પડેલા ખૂંટિયાનું રેસ્ક્યુ કરાયું

ટ્રાફિક પોલીસ, યદુનંદન ગૌશાળા અને સ્થાનિકોના સંયુક્ત પ્રયાસોથી ખુટિયાને સલામત રીતે બહાર કાઢી જરૂરી સંભાળ માટે ગૌશાળાને સોંપાયો

મોરબી : મોરબીના રવાપર ચોકડી અને અવની ચોકડી વચ્ચે આવેલી કેનાલમાં એક ખૂંટિયો પડી જતાં તેની જાણ સ્થાનિકોએ ટ્રાફિક પોલીસને કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

મોરબીના રવાપર ચોકડી પાસે કેનાલમાં પડેલા ખૂંટિયાનું રેસ્ક્યુ કરાયું

મોરબી પોલીસ ઇન્સ્પેક્ટર (ટ્રાફિક)ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.બી. ઠક્કરની ટીમે યદુનંદન ગૌશાળાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ જોરુભા, હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ, કોન્સ્ટેબલ દેવાયતભાઈ, યદુનંદન ગૌશાળાની ટીમ તેમજ સ્થાનિક લોકોના સહયોગથી કેનાલમાં ઉતરી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભારે જહેમતભરી કામગીરી બાદ ખૂંટિયાને સલામત રીતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સમયસર રેસ્ક્યુ હાથ ધરાતા પશુનો જીવ બચી ગયો હતો. બાદમાં તેને જરૂરી સારવાર અને સંભાળ માટે યદુનંદન ગૌશાળાને સોંપવામાં આવ્યો હતો. સ્થાનિકોએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.