Saturday - Nov 07, 2026

મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલા સગીર ભાણેજનું ડૂબી જવાથી મોત

મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલા સગીર ભાણેજનું ડૂબી જવાથી મોત

મોરબીના મકનસર ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મોત

મોરબી :મોરબી તાલુકાના જોધપર ગામ નજીક આવેલા મચ્છુ-2 ડેમમાં મામા સહિત ત્રણ વ્યક્તિઓ સાથે નહાવા પડેલા 15 વર્ષના કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. કિશોરને બચાવવા માટે મામા સહિતના લોકોએ પ્રયાસ કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે શોધખોળ કરીને કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

મોરબીના શોભેશ્વર રોડ પર કુબેર ટોકીઝ નજીક રહેતા ધનજીભાઈ દેવીપૂજકનો 15 વર્ષીય પુત્ર સાગર મામા સહિતના લોકો સાથે ભંગારની ફેરી કરવા ગયો હતો. ફેરી કર્યા બાદ સાગર, તેના મામા અને અન્ય એક વ્યક્તિ એમ ત્રણેય જોધપર નજીક આવેલા મચ્છુ-2 ડેમમાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન પગ લપસી જતાં સાગર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને બચાવવા માટે મામા સહિતના બે વ્યક્તિઓએ પ્રયાસો કર્યા હતા, પરંતુ સાગર મળી આવ્યો નહોતો. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટીમે સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી અને અંતે સાગરનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના મકનસર ગામે રહેતા અશોકભાઈ જંજુવાડિયાનો 18 વર્ષીય પુત્ર સાગર જંજુવાડિયા ગત તા. 2 નવેમ્બરના રોજ બાઇક લઈને ગોકુલનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઇજા પહોંચતા તેને પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.