Thursday - Nov 05, 2026

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ 3,961 રખડતાં પશુ પકડાયાં

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ 3,961 રખડતાં પશુ પકડાયાં

600થી વધુ પશુઓને નંદીઘરમાંથી ગૌશાળા-પાંજરાપોળમાં મોકલાયાં


મોરબી : મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા જાહેર માર્ગો પર રખડતાં પશુઓને પકડવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની રચના થયા બાદ આજદિન સુધીમાં જાહેર માર્ગો પર અડચણરૂપ બનતાં કુલ 3,961 રખડતાં પશુઓને પકડી લેવામાં આવ્યાં છે. જ્યારે ચાલુ અઠવાડિયા દરમિયાન વધુ 25 પશુઓને પાંજરે પૂરવામાં આવ્યાં હોવાનું મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો તેમજ જાહેર માર્ગો પરથી રખડતાં ઢોરને પકડી મોરબી જિલ્લાની આસપાસ આવેલી ગૌશાળાઓ, નંદીઘર તથા પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી પણ 600થી વધુ પશુઓને અલગ-અલગ ગૌશાળાઓ અને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યાં છે.

પશુઓના વ્યવસ્થાપન અને નોંધણીની કામગીરી અંતર્ગત ANCD શાખા દ્વારા અત્યાર સુધીમાં 306 પશુમાલિકોને લાયસન્સ આપવામાં આવ્યાં છે, જ્યારે 48 પશુમાલિકોનાં લાયસન્સનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ઘાસના વેચાણ માટે 35 લોકોને પરમિટ આપવામાં આવી છે અને અગાઉની 4 ઘાસ વેચાણ પરમિટ રિન્યૂ કરવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ 3,961 રખડતાં પશુ પકડાયાં