મોરબી : ટંકારા પંથકમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને એક શખ્સે યુવાનને નિશાન બનાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ભીગડીયા ચોકડી પાસે યુવાનને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ તેના ઘરે જઈ બહાર પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
બનાવની વિગતો મુજબ, ટંકારાના ડબલ્યુ.ડી. બંગલા નજીક રહેતા રજકભાઈ ઉર્ફે કલ્લુ હસનભાઈ મકાવાણા બર્ગમેન મોપેડ લઈને ભીગડીયા ચોકડી પહોંચ્યા હતા. તે દરમિયાન રિક્ષામાં આવેલા નાશીર બીલાલભાઈ સોહરવર્દીએ તેમની સાથે ગાળાગાળી કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી રજકભાઈના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં ઊભેલી તેમના મોટાભાઈ હાસીનભાઈની વર્ના કારના કાચ તોડી નુકસાન કર્યું હતું. આ ઘટનાને પગલે રજકભાઈએ ટંકારા પોલીસ મથકમાં નાશીર બીલાલભાઈ સોહરવર્દી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.