Wednesday - Nov 04, 2026

ધો.8ના હિન્દી પુસ્તકમાં એક જ પાઠ બે વખત છપાયા, બે પાઠ ગાયબ : વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ગંભીર છબરડા

ધો.8ના હિન્દી પુસ્તકમાં એક જ પાઠ બે વખત છપાયા, બે પાઠ ગાયબ : વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ગંભીર છબરડા

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત દ્વિતીય સત્રના પુસ્તકમાં અનુક્રમણિકા અને પાઠની છપાઈમાં અનેક ક્ષતિઓ સામે આવી

મોરબી : ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધોરણ 8ના હિન્દી વિષયના દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકના  છાપકામમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે. પુસ્તકમાં અનેક પાઠ બે વખત છપાઈ ગયા છે, જ્યારે બે પાઠનો સંપૂર્ણપણે સમાવેશ જ કરવામાં આવ્યો નથી. પુસ્તકની અનુક્રમણિકામાં કુલ નવ પાઠ દર્શાવવામાં આવ્યા હોવા છતાં અંદરના પાનાંમાં પાઠોની ગોઠવણીમાં ભારે ગોટાળો જોવા મળી રહ્યો છે. પેજ નંબર 11 પર પાઠ નંબર 2 'કચ્છ કી સેર' બે વખત છપાયો છે. આ જ પાનાં પર પાઠ નંબર 8 'હંસના મના હૈ' પણ બે વખત છાપવામાં આવ્યો છે. એ જ રીતે પેજ નંબર 50 પર પહેલિયાં વિભાગનો પાઠ નંબર 9 'ઉલઝન-સુલઝન' પણ બે વખત છપાયેલો છે.

ધો.8ના હિન્દી પુસ્તકમાં એક જ પાઠ બે વખત છપાયા, બે પાઠ ગાયબ : વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ગંભીર છબરડા
ધો.8ના હિન્દી પુસ્તકમાં એક જ પાઠ બે વખત છપાયા, બે પાઠ ગાયબ : વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ગંભીર છબરડા

બીજી તરફ ધોરણ 8ના હિન્દી વિષયના આ પુસ્તકમાં પાઠ નંબર 5 'દોહે' અને પાઠ નંબર 6 'તુફાનો કી ઓર'નો સમાવેશ જ કરવામાં આવ્યો નથી. એટલે કે વિદ્યાર્થીઓને એક જ પુસ્તકમાં કેટલાક પાઠ બે વખત વાંચવા મળી રહ્યા છે, જ્યારે અભ્યાસક્રમના બે પાઠ પુસ્તકમાંથી ગાયબ છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરાયેલા આ પુસ્તકની આવી ક્ષતિઓને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ આ ગોટાળો મુશ્કેલીરૂપ બની શકે છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવતાં પુસ્તકો લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે અને તેના આધારે જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. ત્યારે પુસ્તકના પ્રકાશન અને વિતરણ પહેલાં તેની ચકાસણીની પ્રક્રિયા કેટલી ગંભીરતાથી કરવામાં આવે છે તે સવાલ ઊભો થયો છે. ધોરણ 8ના હિન્દીના દ્વિતીય સત્રનું આ પુસ્તક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયું છે ત્યારે એક જ પાઠની વારંવાર છપાઈ અને બે પાઠની ગેરહાજરી જેવી ગંભીર ક્ષતિઓ સામે આવતાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં આવી બેદરકારી કેમ રહી ગઈ તે બાબતે ઊંડી તપાસ થશે ખરી ? તેવો શિક્ષણ આલમમાં સવાલ ઉઠ્યો છે.