નગર દરવાજા સુધી દંપતીએ એક્ટિવા પર પીછો કર્યો, પરંતુ બંને શખ્સો ચેન ઝૂંટવી પૂરઝડપે ભાગી છૂટયા
મોરબી : મોરબી શહેરમાં સવારના સમયે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. જૈન દેરાસરમાં સ્કૂટર પર પૂજા કરવા જઈ રહેલા શિક્ષક દંપતીને રસ્તામાં નિશાન બનાવી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો શિક્ષિકાના ગળામાંથી સોનાનો ચેઇન ખેંચીને ફરાર થઈ ગયા હતા. દંપતીએ તુરંત જ સ્કૂટર પર આરોપીઓનો પીછો કર્યો હતો, પરંતુ બંને હાથ લાગ્યા નહોતા. બનાવના છ દિવસ બાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
મોરબીના દરબારગઢ રોડ પર મોટી માધાણી શેરીમાં રહેતાં અને માળીયાના વવાણિયા તાલુકા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં પૂજાબેન વિરલભાઈ મહેતા (ઉં.વ. ૩૯) ગત ૨૮ ઓક્ટોબરના રોજ સવારે આશરે ૭:૪૫ વાગ્યે પતિ સાથે સ્કૂટર પર જૈન દેરાસરે પૂજા કરવા નીકળ્યાં હતાં. આ દરમિયાન દેરાસર નજીક પહોંચતાં પાછળથી એક મોટરસાઇકલ પર બે શખ્સો આવ્યા હતા. બાઈકમાં પાછળ બેઠેલા આશરે ૨૫થી ૩૦ વર્ષના અને કાળા રંગનું શર્ટ પહેરેલા શખ્સે પૂજાબેનના ગળામાંથી એક તોલા વજનનો સફેદ દાણાવાળો સોનાનો ચેઇન આંચકી લીધો હતો. ચેઇનની કિંમત અંદાજે રૂ. ૧.૩૦ લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અચાનક બનેલી આ ઘટનાથી દંપતી ચોંકી ઊઠ્યું હતું, પરંતુ તુરંત જ એક્ટિવા પર બંને બાઈકસવારોનો પીછો શરૂ કર્યો હતો. નગર દરવાજા સુધી તેમનો પીછો કરવા છતાં મોટરસાઇકલની ઝડપ વધુ હોવાથી આરોપીઓ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ દંપતીએ પોતાની રીતે તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં અંતે પૂજાબેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની ઓળખ મેળવવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.