પેટા : ફાયર કોલ રિપોર્ટની સમીક્ષા, સુરક્ષા એજન્સીના કરાર, હાઈમાસ ટાવરની જગ્યા અને કંડમ વાહનોના નિકાલ સહિતના એજન્ડા ચર્ચાશે
મોરબી : શહેરમાં પ્રાથમિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા અને વિકાસકાર્યોને ગતિ આપવા મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ૪ નવેમ્બરના રોજ યોજાશે. ગાંધી ચોક ખાતે આવેલી મહાનગરપાલિકાની નવનિર્મિત કચેરીના બીજા માળે આવેલા સભાખંડમાં સવારે ૧૧ કલાકે મળનારી આ બેઠકમાં વિવિધ વિભાગોના કુલ ૯ એજન્ડા રજૂ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને ઘન કચરાના નિકાલ, સફાઈ વ્યવસ્થા અને શહેરની માળખાગત સુવિધાઓને લગતા નિર્ણયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત રહેશે.
બેઠકના એજન્ડા મુજબ, ફાયર શાખા દ્વારા ૧૭ ઓક્ટોબરથી ૧ નવેમ્બર સુધીના ફાયર કોલ રિપોર્ટ રજૂ કરી તેની સમીક્ષા કરવામાં આવશે. મહાનગરપાલિકાની કચેરીના પટાંગણમાં પેવર બ્લોક નાખવાના કામનો ખર્ચ સ્વભંડોળમાંથી ચૂકવવા અંગે પણ નિર્ણય લેવાશે. જ્યારે ૩૦ નવેમ્બરે પૂર્ણ થઈ રહેલા સુરક્ષા એજન્સીના કરારને આગળ વધારવા સહિતની બાબતો ચર્ચા માટે મૂકવામાં આવશે.
આ ઉપરાંત શોભેશ્વર રોડ પર હાઈમાસ ટાવર સ્થાપિત કરવા માટે નવી જગ્યા નક્કી કરવી, વર્કશોપ શાખાનાં બિનઉપયોગી અને કંડમ વાહનોનો નિકાલ કરવો તેમજ ANCD શાખા હેઠળ નંદી ઘર ખાતે નંદીઓને મગફળીનો ચારો ખવડાવવા માટે ગમાણની ખરીદી કરવા અંગે ચર્ચા થશે.
બીજી તરફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હેઠળ CBG-MRF, SLF અને ગાંડીવેલના ટેન્ડર સહિતના પ્રસ્તાવો પણ બેઠકમાં રજૂ થશે. શહેરની સફાઈ અને ઘન કચરાના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા આ મુદ્દાઓ પર કમિટી કયા નિર્ણયો લે છે તેના પર શહેરીજનોની નજર રહેશે.