Tuesday - Nov 03, 2026

મોરબીના માર્કેટીંગ યાર્ડમાં 5થી 13 નવેમ્બર સુધી દિવાળીનું મીની વેકેશન જાહેર

મોરબીના માર્કેટીંગ યાર્ડમાં 5થી 13 નવેમ્બર સુધી દિવાળીનું મીની વેકેશન જાહેર

અનાજ વિભાગમાં હરાજીનું કામકાજ બંધ, લાભ પાંચમથી વેપાર રાબેતા મુજબ શરૂ થશે

મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને અનાજ વિભાગમાં મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. યાર્ડમાં તા. 5 નવેમ્બરથી તા. 13 નવેમ્બર સુધી રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી આ સમયગાળા દરમિયાન જણસીઓની હરાજી સહિતનું તમામ કામકાજ બંધ રહેશે. આ અંગે યાર્ડ દ્વારા એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને જાણ કરવામાં આવી છે, જેથી તેઓ પોતાની જણસીઓની આવક અને વેચાણનું આયોજન રજાના સમયગાળાને ધ્યાનમાં રાખીને કરી શકે.

યાર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, તા. 4 નવેમ્બર, બુધવારના રોજ સવારના 9 વાગ્યા સુધી જ ખેડૂતોને જણસીઓની ઉતરાઈ કરવાની મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ તા. 5 નવેમ્બર, ગુરુવારના રોજ યાર્ડમાં અગાઉથી પડતર રહેલા માલની હરાજી કરવામાં આવશે. આ હરાજી પૂર્ણ થયા બાદ તા. 5થી 13 નવેમ્બર સુધી યાર્ડમાં કોઈપણ પ્રકારની જણસીની ઉતરાઈ કરવામાં આવશે નહીં તેમજ હરાજીનું કામકાજ પણ સંપૂર્ણપણે બંધ રહેશે. દિવાળીના મીની વેકેશન દરમિયાન વેપારીઓએ યાર્ડના શેડમાં રાખેલો પોતાનો માલ સમયસર ઉપાડી લેવા પણ સૂચના આપવામાં આવી છે. રજાના દિવસોમાં જણસીઓની આવક સ્વીકારવામાં નહીં આવતી હોવાથી ખેડૂતોએ પણ આ સમયગાળાને ધ્યાનમાં રાખીને માલ વેચાણ માટે લાવવાનું આયોજન કરવા જણાવાયું છે. દિવાળીની રજા પૂર્ણ થયા બાદ તા. 14 નવેમ્બર, શનિવારના રોજ લાભ પાંચમના શુભ દિવસથી માર્કેટિંગ યાર્ડમાં હરાજી સહિતનું તમામ કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. યાર્ડના આ નિર્ણયની એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોએ નોંધ લેવા અપીલ કરવામાં આવી છે.