33.050 કિલો ગાંજો મળી આવ્યો, રૂ.16.57 લાખનો મુદ્દામાલ કબજે કરી એન્ટી નાર્કોટિક્સ વિંગે NDPS હેઠળ ગુનો નોંધાવ્યો
મોરબી : હળવદ તાલુકાના ચિત્રોડી ગામે ખેતરમાં એરંડાના પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. મોરબી જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે ખેતરમાં દરોડો પાડતાં ગાંજાના 364 છોડ મળી આવ્યા હતા. એફએસએલ અને તોલમાપ વિભાગની ટીમની હાજરીમાં છોડનું વજન કરવામાં આવતાં કુલ 33.050 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાની કિંમત રૂ.16.52 લાખ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.16.57 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે ગઈકાલે સાંજે હળવદના ચિત્રોડી ગામે આવેલી હનીફભાઈની વાડીમાં દરોડો પાડ્યો હતો. ખેતરમાં એરંડાનો પાક ઉગાડવામાં આવ્યો હતો, જેની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. સ્થળ પરથી ગાંજાના 364 છોડ મળી આવતાં એફએસએલ અને તોલમાપ વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી. બંને વિભાગની હાજરીમાં ગાંજાના છોડનું વજન કરતાં કુલ 33.050 કિલો જથ્થો નોંધાયો હતો, જેની કિંમત રૂ.16,52,500 આંકવામાં આવી હતી.
પોલીસે સ્થળ પરથી રૂ.5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આમ, ગાંજો અને મોબાઈલ સહિત કુલ રૂ.16,57,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે ચિત્રોડી ગામમાં હનીફભાઈની વાડીમાં રહેતા 30 વર્ષીય વિપુલભાઈ ઉર્ફે રોકો ધીરુભાઈ પરાલીયાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હનીફભાઈએ વાડી વાવેતર માટે વિપુલભાઈને આપી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, એરંડાના પાકની આડમાં ગાંજાનું વાવેતર કેટલા સમયથી કરવામાં આવતું હતું અને અગાઉ પણ આ રીતે ગાંજાની ખેતી થઈ હતી કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દરોડાની કામગીરી મોરબી જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઈ ડી.વી. ખરાડી અને પીએસઆઈ એચ.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કરવામાં આવી હતી.