Tuesday - Nov 03, 2026

મોરબીમાં દિવાળીની ભીડમાં ટ્રાફિકને અડચણરૂપ આડેધડ પાર્કિંગ કરનાર 22 કારચાલકોને દંડ

મોરબીમાં દિવાળીની ભીડમાં ટ્રાફિકને અડચણરૂપ આડેધડ પાર્કિંગ કરનાર 22 કારચાલકોને દંડ

ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવ યોજી મહેન્દ્ર ડ્રાઈવ-ઇન રોડ અને દરબારગઢ ચોકમાં કાર્યવાહી કરી રૂ.11 હજારનો દંડ વસૂલાયો

મોરબી :મોરબીમાં દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી માટે લોકોની અવરજવર વધતા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ખાસ કરીને સાંકડા રસ્તાઓ પર આડેધડ વાહન પાર્કિંગને કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા દિવાળીની ભીડને ધ્યાનમાં રાખીને ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રીતે કાર પાર્ક કરનારા 22 વાહનચાલકો સામે કાર્યવાહી કરી કુલ રૂ.11 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

મોરબીમાં દિવાળીની ભીડમાં ટ્રાફિકને અડચણરૂપ આડેધડ પાર્કિંગ કરનાર 22 કારચાલકોને દંડ

મોરબી શહેરમાં જેલ ચોકથી મચ્છુ માતાના મંદિર, દરબારગઢ ચોક અને મહેન્દ્ર ડ્રાઈવ-ઇન રોડ થઈને સામાકાંઠા તરફ જતા માર્ગો પર સતત વાહનોની અવરજવર રહે છે. દિવાળીના દિવસોમાં ખરીદી માટે લોકોની ભીડ વધતાં આ માર્ગો પર ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે. રસ્તા સાંકડા હોવા ઉપરાંત વાહનોનું મનસ્વી પાર્કિંગ ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહ્યું છે.

આ સમસ્યાના નિરાકરણ માટે મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીના અધ્યક્ષસ્થાને રોડ એન્ડ ટ્રાફિક ટ્રાન્સપોર્ટની બેઠક યોજાઈ હતી. જેમાં ડેપ્યુટી કમિશનર અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સ્થિતિ સુધારવા અને અડચણરૂપ પાર્કિંગ સામે કાર્યવાહી કરવા ચર્ચા કરવામાં આવી હતી.

મોરબીમાં દિવાળીની ભીડમાં ટ્રાફિકને અડચણરૂપ આડેધડ પાર્કિંગ કરનાર 22 કારચાલકોને દંડ

બેઠકમાં થયેલી ચર્ચા અને મ્યુનિસિપલ કમિશનરની સૂચના તેમજ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પીઆઈ એચ.વી. ઘેલા અને પીએસઆઈ ડી.બી. ઠક્કરની ટીમે મહેન્દ્ર ડ્રાઈવ-ઇન રોડ તથા દરબારગઢ ચોક વિસ્તારમાં ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે કાર પાર્ક કરનારા 22 જેટલા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે નિયમભંગ બદલ કુલ રૂ.11 હજારનો દંડ વસૂલવાની સાથે વાહનચાલકોને યોગ્ય સ્થળે પાર્કિંગ કરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી. દિવાળીની ખરીદીની ભીડ વચ્ચે આડેધડ પાર્કિંગ કરનારા સામે ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવથી રસ્તા પર અડચણરૂપ વાહન પાર્ક કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.