Monday - Nov 02, 2026

મોરબીમાં જૂની નાણાકીય તકરાર મામલે સમાધાનની વાત પડતી મૂકી ખૂનની હોળી ખેલાતા વૃદ્ધનું મોત

મોરબીમાં જૂની નાણાકીય તકરાર મામલે સમાધાનની વાત પડતી મૂકી ખૂનની હોળી ખેલાતા વૃદ્ધનું મોત

ટ્રકની ભાગીદારીમાંથી છૂટા પડવાના નાણાં મામલે સાત શખ્સોએ ધારીયાના ઘાથી વૃદ્ધને વેતરી નાખ્યા, અન્ય એકને ગંભીર ઈજા

મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક નાણાકીય વિવાદનો અંત લાવવા માટે મળેલી બેઠક લોહિયાળ અથડામણમાં ફેરવાઈ હતી. ટ્રકની ભાગીદારીમાંથી અલગ થવા અંગેના નાણાંની લેતીદેતી બાબતે ચાલતા મનદુઃખમાં સાત શખ્સોએ બે કારમાં આવી રસ્તો રોકી ધોકા અને ધારીયાથી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં વચ્ચે પડેલા વૃદ્ધને ધારીયાનો ઘા વાગતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચી હતી.

આ બનાવ અંગે જૂના ટીંબડી ગામના જીગ્નેશભાઈ ખોડાભાઈ મુલાડિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ભાવેશભાઈ પરસોત્તમભાઈ બારૈયા, હિતેશભાઈ ઘનશ્યામભાઈ ઝંઝવાડિયા, સુરેશભાઈ, વિનોદભાઈ પરસોત્તમભાઈ બારૈયા, ભરતભાઈ પરસોત્તમભાઈ બારૈયા, દશરથભાઈ પરસોત્તમભાઈ બારૈયા અને હીરેન ઘનશ્યામભાઈ ઝંઝવાડિયા સહિત સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીના મામાના દીકરા અને આરોપીઓ વચ્ચે ટ્રકની ભાગીદારીમાંથી છૂટા પડવા તથા તેના નાણાંની ચૂકવણીને લઈને અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો. આ મુદ્દે સમાધાન કરવા માટે ટીંબડી પાટિયા પાસે ભેગા થવાનું નક્કી થયું હતું. દરમિયાન સ્વિફ્ટ અને સ્કોર્પિયો કારમાં આવેલા આરોપીઓએ ફરિયાદીની કારનો રસ્તો અટકાવી દીધો હતો અને ત્યારબાદ ધોકા તથા ધારીયાથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અથડામણની જાણ થતાં જીગ્નેશભાઈના પિતા ખોડાભાઈ જલાભાઈ મુલાડિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હુમલામાંથી બચાવવા માટે તેઓ વચ્ચે પડતાં આરોપીઓ પૈકીના શખ્સે તેમના કપાળના ભાગે ધારીયાનો ઘા માર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે ખોડાભાઈનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત કારમાં હાજર રવીભાઈને પણ નાકના ભાગે ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સમાધાન માટે થયેલી મુલાકાતમાં થયેલા હુમલાએ એક પરિવારને મોતનો ઘા આપ્યો છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે સાતેય આરોપીઓ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.