ફૂડ વિભાગ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં 25 કિલો છૂટક ઘી જેવો જથ્થો મળ્યો, અન્ય દુકાનેથી ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા
મોરબી : મોરબીમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની આશંકા વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એસઓજીની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. નહેરુ ગેઈટ વિસ્તારમાં આવેલી બે દુકાનોમાં ચેકિંગ દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ ખાદ્યપદાર્થો મળી આવતા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને દીવાબત્તી માટે વપરાશમાં લેવાતા ઓઈલના ડબ્બામાંથી જથ્થો કાઢી બરણીમાં ભરી છૂટક ઘી તરીકે વેચવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત થઈ છે. આ ઉપરાંત વાંકાનેરમાં પણ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર હિરેન વડુકર અને એસઓજીની ટીમે નહેરુ ગેઈટ પાસે આવેલા પાયલ સિંગ સેન્ટર તથા આબીદ એચ. અંદાણીની દુકાનમાં બપોરના સમયે આકસ્મિક ચેકિંગ કર્યું હતું. પાયલ સિંગ સેન્ટરમાં તપાસ દરમિયાન પ્રીમિયમ ઓઈલના 15 કિલોના 10 ડબ્બા મળી આવ્યા હતા. તેમાંથી કુલ 149 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દુકાનમાંથી 25 કિલો છૂટક ઘી જેવો દેખાતો શંકાસ્પદ જથ્થો પણ મળી આવતા તેને જપ્ત કરાયો હતો.
તપાસ દરમિયાન પ્રીમિયમ ઓઈલના ડબ્બામાંથી જથ્થો કાઢીને બરણીમાં ભરી તેનું છૂટક ઘી તરીકે વેચાણ કરવામાં આવતું હોવાની શંકા સામે આવી છે. ઓઈલના પેકિંગ પર આ પદાર્થનો ઉપયોગ માત્ર દીવાબત્તી માટે કરવાનો ઉલ્લેખ હોવા છતાં તેનો ખાદ્યપદાર્થ તરીકે ઉપયોગ થતો હોવાની આશંકાએ તપાસનો વિષય બન્યો છે.
બીજી તરફ આબીદ એચ. અંદાણીની દુકાનમાંથી ફૂડ વિભાગે ઘીના નમૂના એકત્ર કરી પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. નમૂનાઓના રિપોર્ટ બાદ જ તેની ગુણવત્તા અંગે સ્પષ્ટતા થઈ શકશે.
મોરબી ઉપરાંત વાંકાનેર શહેરમાં પણ મીઠાઈ અને ફરસાણનું વેચાણ કરતી આશરે 10 દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન વેપારીઓને ખાદ્યપદાર્થોની ગુણવત્તા, શુદ્ધતા અને સ્વચ્છતા જાળવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તહેવારોના માહોલમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અટકાવવા તંત્રની આ કાર્યવાહીને પગલે વેપારી આલમમાં ચર્ચા જાગી છે.