Monday - May 04, 2026

મોરબીમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનનું વિઝન જાહેર કરતા પ્રભારી મંત્રી

મોરબીમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનનું વિઝન જાહેર કરતા પ્રભારી મંત્રી

કાયદામાં 100 દિવસની બદલે 125 દિવસની રોજગારી આપવાની જોગવાઈ, મહેનતાણું પણ 15 દિવસની બદલે અઠવાડિયામાં મળવાની ખાતરી

મોરબી : વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) વી.બી.જી રામ જી અધિનિયમ–૨૦૨૫ની માહિતી આપવા માટે ભાજપ દ્વારા દરેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદો યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબીમાં પણ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ પત્રકાર પરિષદ યોજી યોજના અંગે માહિતી જાહેર કરી હતી.


જેમાં તેઓએ જણાવ્યું કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) વી.બી.જી રામ જી નામની સુધારેલી અત્યંત આધુનિક અને લોકલક્ષી યોજના અને કાયદો ભારતની લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યો છે. તેના પરિણામે લોકોને વધુ રોજગારી મળશે. આ કાયદામાં 100 દિવસની બદલે 125 દિવસની રોજગારી આપવાનું પ્રાવધાન છે. ઉપરાંત રાજ્ય કક્ષાના 60 દિવસનો ઉમેરો કરીએ તો 185 દિવસની રોજગારી આપવાની આ યોજના છે. આ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવશે. ઉપરાંત અગાઉ મહેનતાણું 15 દિવસે મળતું હતું. પરંતુ હવે અઠવાડિયામાં મહેનતાણું મળશે.

તેઓએ ઉમેર્યું કે વહીવટી ગુચો દૂર કરી સરળ યોજના બનાવવામાં આવી છે. વધુ લોકોને લાભ મળે તે યોજનાનો ઉદ્દેશ છે. ભૂતકાળમાં જે તે વ્યક્તિની જાણ બહાર જોબ કાર્ડ બનીને ભ્રષ્ટાચાર થતો હતો. હવે વ્યક્તિના એકાઉન્ટમાં સીધા પૈસા જાય છે. એક પણ રૂપિયો ક્યાંય આડો અવળો થશે નહીં. વર્ષ 1985માં વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે દિલ્હીથી હું એક રૂપિયો મોકલું એમાંથી 15 પૈસા પહોંચે છે. એ સ્થિતિમાં બહાર આવી હવે પુરેપુરા રૂપિયા પહોંચે તેવો પ્રયાસ છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા વિકાસ અધિકારી એન.એસ.ગઢવી, ભાજપ અગ્રણી અરવિંદભાઈ વાંસદડીયા, નિર્મલભાઈ જારીયા, અજય લોરીયા, નિરજભાઈ ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.