6 ડમ્પર, 1 જેસીબી અને 1 ટ્રેક્ટર સાથે કુલ રૂ. 1.39 કરોડનો મુદામાલ કબ્જે
મોરબી : વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં સરકારી ખરાબાની જગ્યામાં ચાલતા ગેરકાયદે ખનીજ ખનન કૌભાંડનો મોરબી એલસીબી, એસઓજી અને ખાણ ખનીજ વિભાગની ટીમે પર્દાફાશ કર્યો છે. આ સ્થળેથી 1.39 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી ડામવા માટે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોરબીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વિનયગઢ ગામની ઢોરાવાળી સીમમાં આવેલ સરકારી ખરાબામાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ખોદકામ થતું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ગભરુભાઈ નાથાભાઈ અને વાલાભાઈ ગગજીભાઈ અલગતરનું નામ ખુલતા બન્ને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસમાં ખુલ્યું હતું કે આ ખનીજ વિનયગઢ ગામની બાજુમાં આવેલા 'નારાયણ મીનરલ્સ' નામના પ્લાન્ટમાં લઈ જઈ, પથ્થરો દળી, વોશિંગ કરી ડમ્પરો મારફતે અન્ય જિલ્લાઓમાં વેચવામાં આવતું હતું.
પોલીસે સ્થળ પરથી અને નારાયણ મીનરલ્સમાંથી કુલ રૂ. 1,39,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે
જેમાં 1 ડમ્પર નંબર GJ36Y 8877 (કિંમત રૂ. 25,00,000), 1 ડમ્પર નંબર GJ18AU 9068 (કિંમત રૂ. 25,00,000), 1 ડમ્પર નંબર GJ13AX 9297 (કિંમત રૂ. 25,00,000), 1 ડમ્પર નંબર GJ13AX 5592 (કિંમત રૂ. 25,00,000), 1 ડમ્પર નંબર GJ13X 7171 (કિંમત રૂ. 10,00,000), 1 ડમ્પર નંબર GJ13W 2351 (કિંમત રૂ. 10,00,000), 1 JCB મશીન (કિંમત રૂ. 15,00,000), 1 ટ્રેક્ટર લોડર (કિંમત રૂ. 4,00,000)ને કબ્જે કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા આકરો દંડ વસૂલાશે
આ સંયુક્ત ઓપરેશનમાં ખાણ ખનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ પર તપાસ કરી, ખોદકામની માપણી અને રોજકામ કરવામાં આવ્યું છે. આરોપીઓએ કેટલા સમયથી અને કોના કહેવાથી આ ખનીજ ચોરી કરી છે તેની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. ખનીજ ચોરીના આ પ્રકરણમાં નિયમ મુજબ આકરો દંડ વસૂલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને ખૂબ જ મોટો રોકડ દંડ થવાની શક્યતા છે.