બહેનના જેઠે પોલીસમાં અરજી કરાવ્યાનો ખાર રાખી પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ
વાંકાનેર : વાંકાનેર શહેરમાં ધરમની માનેલી બેનના ઘેર અવાર નવાર જતા યુવકે પોલીસમાં અરજી કરાવી હોવાનો ખાર રાખી બેનના જેઠ તેમજ અન્ય એક યુવકે ધરમના ભાઈનું અપહરણ કરી બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેરના વેલનાથપરામાં રહેતા ફરિયાદી હાર્દિક પરસોત્તમભાઈ સરાવાડિયા ઉ.વ.23 નામના યુવકે આરોપી શામજીભાઈ ઉર્ફે શ્યામ દિનેશભાઈ દેલવાડિયા અને આરોપી રોકુ કોળી રહે.વેલનાથપરા વાંકાનેરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી હાર્દિકભાઈએ શામજીભાઈના નાના ભાઈના પત્ની ચેતનાબેન નયનભાઈ દેલવાડિયાને ધરમની બહેન માનેલી હોવાથી અવાર નવાર તેમના ઘેર જતા હોય અને ચેતનાબેને આરોપી શામજીભાઈ વિરુદ્ધ પોલીસમાં અરજી કરતા આરોપીએ આ અરજી પોતે કરાવી હોવાનું શંકા રાખતો હતો.બીજી તરફ ગત તા.9ના રોજ રાત્રે પોતાનું મોટર સાયકલ ચેતનાબેનના ઘેર પડ્યું હોય લેવા જતા આરોપી શામજી અને રોકુ કોળીએ રોકી રોકુના એક્ટિવામાં બળજબરીથી બેસાડી સમાધાનના ચા પાણી પીવા જવાનું કહી હેલિપેડ ગ્રાઉન્ડમાં લઈ જઈ બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે હાર્દિકની ફરિયાદના આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ અપહરણ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.