Friday - Jul 10, 2026

માળીયામાં પ્રારંભિક તબક્કે જ મેઘમહેરે વર્ષોનું મેણું ભાંગ્યું, અઢી ઇંચ વરસાદથી વાવણી શરૂ

માળીયામાં પ્રારંભિક તબક્કે જ મેઘમહેરે વર્ષોનું મેણું ભાંગ્યું, અઢી ઇંચ વરસાદથી વાવણી શરૂ
માળીયામાં પ્રારંભિક તબક્કે જ મેઘમહેરે વર્ષોનું મેણું ભાંગ્યું, અઢી ઇંચ વરસાદથી વાવણી શરૂ

ભોગીલિક પરિસ્થિતિને કારણે કાયમ વરસાદની ખેંચ વચ્ચે મેઘરાજાએ ચોમાસાના પ્રારંભે મોરબી કરતા માંળિયા પર વધુ મહેર કરતાં ખેડૂતો વાવણીમાં જોતરાયા

(અશ્વિન રાઠોડ ("સ્વયંમ્'ભૂ") :  ભૌગોલિક પરિસ્થિતિ કાયમ વરસાદની ખેંચ હોવાથી ચોમાસા દરમિયાન સૌથી વધુ ચિંતામાં રહેતો માળિયા મિયાણા પંથક પર આ વખતે મેઘરાજાએ વર્ષોનું મેણું ભાંગી ધીમીધારે કાચું સોનુ વરસાવતા જગતાંત હરખાયો છે. જો કે દર વર્ષે ટંકારા, મોરબી અને હળવદમાં ચોમાસાના પ્રારંભે માંગ્યા મેહ વરસતા હોય જેથી જૂન મહિનાના અંતમાં કે વધીને જુલાઈ માસના પ્રારંભિક દિવસોમાં વાવણી કાર્ય લગભગ પૂરું થઈ જતું હોવાની વર્ષોની આ પરંપરા આ વખતે તૂટી હોય એમ મોરબીમાં માત્ર અત્યાર સુધીમાં સવા ઈંચ જ વરસાદ પડ્યો છે અન્ય તાલુકાઓમાં પણ હજુ વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહમાં છે. ત્યારે બધાના આશ્ર્ચર્ય વચ્ચે ગત 6 જુલાઈએ માળીયામાં અઢી ઇંચ ધીમી ધારે પડેલા વરસાદે સૂકી ધરતીને ભીંજવી દેતાં ખેતરોમાં ફરી જીવંતતા આવી છે. આ વર્ષે ચોમાસાની ધીમી ગતિને કારણે સમગ્ર જિલ્લામાં હજુ સરેરાશ માત્ર 37 ટકા જેટલું જ વાવેતર થયું છે. મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં અત્યાર સુધી માત્ર સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાથી હજુ પણ અનેક ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. તેની સામે દર વર્ષે ઓછા વરસાદ માટે ચિંતિત રહેતા માળિયા પંથક પર આ વખતે કુદરત મહેરબાન બનતાં વર્ષોનું મેણું ભાંગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રથમ સારા વરસાદથી માળિયા મિયાણા તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં ટ્રેક્ટરોની ધણધણાટી અને બિયારણ લઈને વાવણીમાં વ્યસ્ત ખેડૂતો અને મજૂરો ખેતરોમાં વાવણી કાર્યમાં મશગુલ થઈ ગયા છે. અઢી ઇંચનો વરસાદ ધીમી ધારે વરસતાં પાણી જમીનમાં ઊંડે સુધી ઉતર્યું છે. પરિણામે કપાસ, મગફળી, તલ અને જુવાર સહિતના પાક માટે અનુકૂળ ભેજ મળ્યો છે અને ખેડૂતો હોંશે-હોંશે વાવણીમાં લાગી ગયા છે.
પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો જેમણે થોડું વહેલું વાવેતર કર્યું હતું તેમના પાકને પણ આ વરસાદે નવજીવન આપ્યું છે, જ્યારે બાકીના ખેડૂતો માટે હવે વાવણીની શ્રેષ્ઠ તક ઉભી થઈ છે. હાલ માળિયા પંથકમાં અંદાજે 70થી 80 ટકા ખેડૂતો ખેતરમાં ઉતરી ગયા છે અને આગામી બે-ત્રણ દિવસમાં મોટાભાગનું વાવેતર પૂર્ણ થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદે ખેતીની સારી શરૂઆત કરાવી છે, પરંતુ હવે આગામી અઠવાડિયામાં જો વધુ એક સારો વરસાદ મળે તો બિયારણનો ઉગાવો ઉત્તમ રહેશે અને પાકને મજબૂત આધાર મળશે. સમયસર બીજો વરસાદ વરસે તો આ વર્ષે ખેડૂતો માટે સોળ આની વર્ષ જવાની અને સારા ઉત્પાદનની આશા પ્રબળ બની છે.

'આ વરસાદે આશા જગાવી, હવે બીજા વરસાદની રાહ'

"લાંબા સમયની ચાતક નજરે રાહ જોયા પછી અઢી ઇંચ જેટલો સારો અને ધીમી ધારનો વરસાદ થયો છે. જમીનમાં પૂરતો ભેજ ઉતરી જતાં અમે કપાસ અને મગફળીની વાવણી શરૂ કરી દીધી છે. અત્યારે ગામમાં લગભગ 30-40% જેટલું વાવેતર પૂર્ણ થઈ ગયું છે અને બાકીના ખેતરોમાં વાવણીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે બે-ત્રણ દિવસમાં પૂરું થઈ જશે."
- જુસભાઈ ભટ્ટી, ખેડૂત, માળિયા મિયાણા

આ વરસાદ કાચા સોના જેવો સાબિત થયો

"અમારા વિસ્તાર માટે આ વરસાદ કાચા સોના જેવો સાબિત થયો છે. ધીમી ધારે અઢી ઇંચ વરસાદ પડ્યો હોવાથી જમીનમાં પાણી ખૂબ સારી રીતે ઉતર્યું છે. મેં મારા ખેતરમાં મોટાભાગનું વાવેતર શરૂ કરી દીધું છે. જમીન ઠરી હોવાથી હવે બિયારણ સારી રીતે ઊગી નીકળશે તેવી અમને પૂરી આશા છે."
- મહાદેવભાઈ સુલ્તાન, ખેડૂત, સુલતાનપુર


હાલ તો આ વરસાદથી ખેડૂતોને મોટી રાહત

"અઢી ઇંચ વરસાદથી વાવણી લાયક પાણી તો મળી ગયું છે, પણ મેં હજુ વાવણી ચાલુ કરી નથી. ખેતર ખેડીને બિયારણ સાથે સંપૂર્ણ તૈયાર રાખ્યું છે. અત્યારે જમીન કવરાવી રહ્યા છીએ, બસ હવે એકાદ દિવસમાં જ તલ અને જુવારનું વાવેતર કરવાનું આયોજન છે. બાકી આ વરસાદથી ખેડૂતોને મોટી રાહત મળી છે."
- ગફુરભાઈ, ખેડૂત, ચીખલી

અઠવાડિયે મેઘરાજા બીજો રાઉન્ડ આપે તો પાકને બહુ મોટો ફાયદો થશે

"અગાઉ જે ખેડૂત ભાઈઓએ પિયતની સગવડથી થોડું વહેલું વાવેતર કર્યું હતું તેમના પાકને આ અઢી ઇંચ વરસાદથી નવું જીવતદાન મળ્યું છે. માળિયા પંથકમાં વરસાદની ખૂબ જ તાતી જરૂરિયાત હતી. અત્યારે તો દરેક ખેતરમાં ટ્રેક્ટરો ચાલી રહ્યા છે અને વાવણીનું કામ એટલું ઝડપથી ચાલે છે કે મજૂરો પણ માંડ મળે છે."
"આ સીઝનનો આ પહેલો એવો વરસાદ છે જેનાથી ખેડૂતોના ચહેરા પર રોનક આવી છે. 70થી 80 ટકા ખેડૂતો કામે લાગી ગયા છે. જો વાવણી થયા પછી આવતા અઠવાડિયે મેઘરાજા બીજો રાઉન્ડ આપે તો પાકને બહુ મોટો ફાયદો થશે અને આ વર્ષે ખેડૂતોને સારું ઉત્પાદન મળશે તેવી આશા બંધાઈ છે."
- જલાઉદ્દીનભાઈ કાજેડા, ખેડૂત, માળિયા મિયાણા