Thursday - Jul 09, 2026

મોરબીમાં સંભવિત આપત્તિ સામે લડવા 55 યુવાનો સજ્જ, સાત દિવસની વિશેષ તાલીમ પૂર્ણ

મોરબીમાં સંભવિત આપત્તિ સામે લડવા 55 યુવાનો સજ્જ, સાત દિવસની વિશેષ તાલીમ પૂર્ણ

કુદરતી અને માનવસર્જિત આપત્તિ સમયે બચાવ-રાહત કામગીરીની મળી પ્રાયોગિક તાલીમ; સફળ તાલીમાર્થીઓને અપાયા પ્રમાણપત્રો

મોરબી : કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયે સ્થાનિક સ્તરે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરીમાં પ્રશાસનને સક્ષમ સહયોગ મળી રહે તે હેતુથી મોરબી જિલ્લામાં "યુવા આપદામિત્ર યોજના" હેઠળ 55 યુવાનોને સાત દિવસની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. પ્રશિક્ષણ પૂર્ણ થતાં તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી આપત્તિના સમયે માનવસેવામાં આગળ રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

જિલ્લા કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કચેરી, મોરબી તથા સરદાર પટેલ રાજ્ય વહીવટ સંસ્થાના સંયુક્ત આયોજનથી મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે તા. 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન તાલીમ શિબિર યોજાઈ હતી. તેમાં રાષ્ટ્રીય સેવા યોજનાના 18 અને "મેરા યુવા ભારત"ના 37 મળી કુલ 55 યુવાનોએ ભાગ લીધો હતો.
રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળના અનુભવી જવાનો દ્વારા તાલીમાર્થીઓને આપત્તિના સમયે બચાવ અને રાહત કામગીરી, પ્રાથમિક સારવાર, શોધખોળ, સ્થળાંતર, બચાવ સાધનોનો ઉપયોગ તેમજ આપત્તિ વ્યવસ્થાપનની વિવિધ પદ્ધતિઓ અંગે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.
તાલીમને વધુ અસરકારક બનાવવા માટે બે વિશેષ પ્રાયોગિક અભ્યાસ યોજાયા હતા. વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલી એક સિરામિક કંપનીમાં ગેસ લીકેજની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરીને બચાવ કામગીરીનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમાં અગ્નિશામક દળ, પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ તંત્ર, 108 ઇમરજન્સી સેવા સહિત વિવિધ વિભાગોની કામગીરીથી તાલીમાર્થીઓને પરિચિત કરાયા હતા.

આ ઉપરાંત મચ્છુ-1 ડેમ ખાતે રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ દ્વારા પાણીમાં ડૂબી રહેલા વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવાની વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી વાસ્તવિક આપત્તિના સમયે યુવાનો અસરકારક રીતે કામગીરી કરી શકે.
તાલીમના સમાપન પ્રસંગે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નિયામક, મોરબીના પ્રાંત અધિકારી, આપત્તિ મામલતદાર તથા પોલીસ અધિકારીએ તમામ  તાલીમાર્થીઓને "યુવા આપદામિત્ર" તરીકેના પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.