Thursday - Jul 09, 2026

મોરબીના યુવાન સાથે 1 લાખ લઈને લગ્ન કરી એક અઠવાડિયું રોકાઈને દુલ્હન ફરાર

મોરબીના યુવાન સાથે 1 લાખ લઈને લગ્ન કરી એક અઠવાડિયું રોકાઈને દુલ્હન ફરાર

અમદાવાદની મહિલાએ એક લાખ રોકડા લઈ રાજસ્થાનની યુવતી સાથે લગ્ન કરાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ

મોરબી : આજના સમયમાં પૈસા લઈ લૂંટરી દુલ્હન લગ્ન કરી અઠવાડિયું રોકાઈ નાસી જતી હોવાની અનેક ઘટનાઓ વચ્ચે મોરબીમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં વાવડી રોડ પર સિંધી સોસાયટીમાં રહેતા 47 વર્ષના કુંવારા યુવકે લગ્ન કરવા માટે અમદાવાદની સિંધી મહિલાનો સંપર્ક કર્યા બાદ આ મહિલા એજન્ટે રૂ.1 લાખમાં માતા - પિતાની કન્યા હોવાનું જણાવી યુવકના લગ્ન કરાવી આપ્યા બાદ લૂંટરી દુલ્હન અઠવાડિયું રોકાઈને વહેલી સવારે પલાયન થઈ જતા આ બનાવમાં એજન્ટ મહિલા અને રાજસ્થાનની વતની યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.


મોરબીના વાવડી રોડ પર સમજુબા સ્કૂલ પાસે સાધુ વાસવાણી કુંજ, સિંધી સોસાયટી ખાતે રહેતા અને પંચરની દુકાન ચલાવતા અશોકભાઈ મુલચંદભાઈ અડવાણી ઉ.47એ આરોપી મહિલા દલાલ પ્રીતિબેન કેવલરામ વાઘવાણી રહે. રોયલ રિજોઈશ, બિલાસિયા ચોકડી, અમદાવાદ અને લૂંટરી દુલ્હન નિશા રામચંદ્ર હેમલાણી રહે.જોધપુર રાજસ્થાન વાળી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતે કુંવારા હોય ત્રણેક મહિના પૂર્વે ફરિયાદીના બહેને કહ્યું હતું કે, અમદાવાદ રહેતી પ્રીતિબેન લગ્ન કરાવી આપે છે.જેથી અશોકભાઈએ પ્રીતિબેનનો સંપર્ક કરતા તેમને કહ્યું હતું કે, એક માતા પિતા વગરની છોકરી છે જેની સાથે લગ્ન કરવા હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે.

બાદમાં અશોકભાઈએ એક લાખ આપવાની હા પાડતા મહિલા લગ્ન દલાલ પ્રીતિબેને આરોપી નિશા રામચંદ્ર હેમલાણી બતાવી હતી અને આ નિશાને લઈ મોરબી ઘર જોવા પણ આવ્યા હતા અને 22 મે 2026ના રોજ અશોકભાઇના કૌટુંબિક ભાઈના ઘેર ગાંધીધામ ખાતે જઈ નજીકના મંદિર ખાતે ફુલહાર કરી લગ્ન કર્યા હતા.જો કે, 22 તારીખે લગ્ન બાદ આરોપી નિશા મોરબી આવી હતી અને તા.30 મે ના રોજ વહેલી સવારે બધા સુતા હતા ત્યારે પલાયન થઈ ગઈ હતી.બીજીતરફ લગ્નના રૂપિયા એક લાખ રોકડા લઈ યુવતીની તમામ જવાબદારી લેનાર પ્રીતિબેને આ ઘટના બાદ ફોન સ્વીચ ઓફ કરી દેતા અશોકભાઈ છેતરાયા હોવાનો અહેસાસ થતા મહિલા દલાલ અને લૂંટરી દુલ્હન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.