મોરબીના જાણીતા મનોચિકિત્સકે ધો.10-12 બોર્ડની પરીક્ષાની તૈયારીમાં વધુ પડતો માનસિક બોજ હેઠળ દબાતા વિદ્યાર્થીઓને મન તંદુરસ્તી કેળવવા માટે સોનેરી ઉપાયો સૂચવ્યા
રવિ બરાસરા : મોરબી જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર ધો.10, 12ની બોર્ડની મહત્વની પરીક્ષાની જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ તંત્ર જડબેસલાક વ્યવસ્થા સાથે સુચારુ તૈયારી કરી રહ્યું છે. જેમાં બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યા, અલગ અલગ સ્કૂલોની બિલ્ડીંગ, બ્લોક, સીસીટીવી કેમેરા, સુપરવાઝર સહિતનો સ્ટાફ ફાળવી દેવાયો છે. કલેકટરે બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરી અટકાવવા અને વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે એવા કાર્યો પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જો કે બોર્ડની પરીક્ષા કારકિર્દી માટે મહત્વની ગણાતી હોવાથી તેમાં ઉજ્જવળ દેખાવથી આગળનું ભવિષ્ય નક્કી થતું હોવાથી બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક લાવવા માટે વિદ્યાર્થીઓ પર જબરું પ્રેશર રહે છે. વાલીઓ પણ પોતાના સંતાનો પર વધુ પડતી અપેક્ષાનો બોજ લાદી સતત રિડીગ માટે રીતસર દબાણ કરી ઘરનું વાતાવરણ ભારેખમ બનાવી છે. આથી વિદ્યાર્થીઓ ભારે માનસીક તણાવમાં રહેતા હોય ઘણીવાર તેજસ્વી વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં નબળો દેખાવ કરે છે. આથી જાણીતા વેબ પોર્ટલ આર. બી.ન્યુઝની ટીમે શહેરના જાણીતા મનોચિકિત્સક ડો. નિધિબેન સુરાણી સાથે મહત્વની વાતચીત કરી વિદ્યાર્થીઓ માનસિક તણાવથી એકદમ દૂર રહી એકાગ્રતાથી પરીક્ષાની તૈયારી કરી શાંતચિત્તે પરીક્ષા આપીને પરીક્ષામાં ધાર્યું પરિણામ મેળવી શકે તેવા જડીબુટ્ટીરૂપી ઉપાયો મેળવીને અહીં પ્રસ્તુત કર્યા છે.
વિદ્યાર્થીઓ સ્ટ્રેસને કારણે બીમાર પડી જતા હોય તો એનો ઉપાય શુ ?
મનોચિકિત્સક : બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે જ નહીં એના વાલીઓ માટે પણ મહત્વની હોય એમ વાલીઓની અપેક્ષા ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને પણ બોર્ડની પરીક્ષામાં ઉજ્જવળ પરિણામ લાવવાની ઈચ્છા હોવાથી તનતોડ મહેનતને કારણે માનસિક સ્વાસ્થ્ય બગડે છે. મન ઉપર પરીક્ષાનો હાઉ એટલો બધો વધી જાય છે કે, મગજમાં અમુક ખતરનાક રસાયણો સક્રિય થઈ જતા પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ તાવ, હદયના ધબકારા વધવા, ગભરામણ, ઝાડા ઉલટી સહિતની બીમારીઓનો ભોગ બને છે. આથી પરીક્ષાની તૈયારી માટે એકાગ્રતા મહત્વની હોવાથી સ્ટ્રેસ દૂર કરવા રોજ મેડિટેશન અને યોગા કરવા જોઈએ. જેથી મન એકદમ પ્રફુલ્લિત રહેશે.
પરફેક્ટ રીતે તૈયારીઓ કરી હોય છતાં પરીક્ષા સમય જ કેમ બધું ભુલાય જય છે ?
મનોચિકિત્સક : ઘણા વિદ્યાર્થીઓને સતત રેડિંગ કરવા છતાં યાદ રહેતું નથી એવી તકલીફ રહે છે. એનું કારણ છે કે, પરીક્ષા આપવા જાય ત્યારે કેવા પ્રશ્નો આવશે ? પોતે યોગ્ય રીતે સાચા જવાબ લખી શકશે કે નહીં ? એવી એના મનમાં જબરી ઉથલપાથલ થતી હોય આ ટેનશનને કારણે પરીક્ષા આપતી વખતે એ બધું ભૂલી જાય છે. આ ઉપરાંત પરીક્ષા અગાઉ પર એને એમ લાગતું હોય કે બધી તૈયારી એકદમ પરફેક્ટ રીતે થઈ છે. પણ હકીકતમાં વિદ્યાર્થીઓના મગજમાં પહેલેથી પરીક્ષાનો હાઉ હોય એટલે ઉચાટ મને ગમે તેટલું વાંચે તો યાદ રહેતું નથી. એટલે પરીક્ષા અગાઉ કેટલું વાંચ્યું એ નહિ પણ કેટલું યાદ રહે એ રીતે પોતાના મગજની ગ્રહણ શક્તિ પારખીને વાંચે અને આયોજનબધ મહેનત કરીને પરીક્ષા આપતા પહેલાની 15 મિનિટ એકદમ રિલેક્સ થઈ જવાનું, ગીતાનો કર્મનો શ્લોક યાદ કરી બધું જ ભગવાન ઉપર છોડી શાંતચિત્તે પરીક્ષા આપવી જેથી વાંચેલું ક્યારેય નહીં ભુલાય
વાલીઓને કેવી રીતે પરિસ્થિતિને ટેકલ કરવી
મનોચિકિત્સક : દરેક માવતરની પોતાનું બાળક પરીક્ષામાં સારો દેખાવ કરે એવી ઈચ્છા સ્વભાવિક હોય છે. પણ એનો મતલબ એ નથી કે, પરીક્ષા આવે એટલે પોતાના બાળકો પર સતત વાંચવાનું સતત પ્રેશર કરવું, કે બીજા હોશિયાર બાળકો સાથે તુલના કરીને એના જ જેટલા નંબર લાવવા માનસિક બોજો વધારવો એ કોઈ કાળે યોગ્ય નથી અને પોતાના સપના પર બાળકો ઉપર થોપવા ન જોઈએ. ઘરમાં ટીવી, મોબાઈલ સહિતનો વપરાશ બંધ કરીને વાતાવરણ ભારેખમ બનાવી દે તો વિદ્યાર્થીઓ સારા હશે તો પણ પ્રેશરમાં નબળો જ દેખાવ કરશે. એના બદલે વાલીઓએ આખી પરિસ્થિતિ એવી રીતે ટેકલ કરવી જોઈએ. કે પોતાના બાળકોને માનસિક ક્ષમતા કેટલી છે અને એ કઈ દિશામાં આગળ વધવા માંગે છે તેમજ તેની ક્યાં ક્યાં વિષયમાં રસ રુચિ છે ? આ બધું જાણીને ઘરનું વાતાવરણ એકદમ હળવુફૂલ રાખી નંબરની જરાય ઘેલછા વગર પોતાના સંતાનોની રસ રુચિ જાણી એ ક્ષેત્રેમાં એને યોગ્ય રીતે ગાઈડ કરવાથી એ ધાર્યું કરતા પણ સારું પરિણામ લાવી શકશે. સાથેસાથે વિદ્યાર્થીઓને એકસાથે લોગ ટાઈમ સુધી સતત વાંચ વાંચ કરવું માનસિક રીતે હિતાવહ નથી. એના બદલે વિદ્યાર્થીઓ મનગમતી પ્રવૃત્તિઓ કરતા કરતા વાંચશે તો સારું પરિણામ પણ મેળવશે અને જરાય માનસિક બોજ પણ નહીં લાગે.
વિદ્યાર્થીઓ મુંઝવતા પ્રશ્નો કેવી રીતે દૂર કરી શકાય ?
મનોચિકિત્સક : બોર્ડના વિદ્યાર્થીઓને ઘણા મુંઝવતા પ્રશ્નો હોય છે જે માતાપિતા કે ઘરમાં કોઈની સાથે રજૂ કરી શકતા નથી. એક તો એ ટીનએજ અવસ્થા હોય છે. એટલે નાના પ્રશ્નો એમના મગજમાં મોટું સ્વરૂપ ધારણ કરે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ ભણતરના ભાર હેઠળ દબાઈને ન કરવાનું કરી નાખે છે. એટલું જ નહીં પરીક્ષાની ચિતામાં ગાંડપણનો પણ શિકાર બને છે. આવી સ્થિતિમાં માવતર અને શિક્ષકો તેમજ સમાજ ચિતકોએ વિદ્યાર્થીઓને કુમળા મનમાં જીવનની કોઈ કસોટી છેલ્લી હોતી જ ન નથી એવું જ્ઞાન એવી રીતે આપવું જોઈએ કે ભવિષ્યમાં ગમે તેવા કપરા સંજોગો સામે બાથ ભીડવા એ માનસિક રીતે સજ્જ રહે.