કાર્યક્રમના પ્રારંભે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને ફળ તેમજ પૌષ્ટિક સુખડીનું વિતરણ કરાયું હતું. આંગણવાડીના ભૂલકાઓએ બાળગીત, બાળવાર્તા, વિવિધ રમતો અને ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.
કાર્યક્રમ દરમિયાન માતૃમંડળ, વાલીઓ અને કિશોરીઓ સાથે વિશેષ સંવાદ યોજાયો હતો, જેમાં બાળકોના પોષણ, આરોગ્ય, સ્વચ્છતા અને સર્વાંગી વિકાસ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શ્રેષ્ઠ પોષણ સંભાળ બદલ માતાઓને 'પોષણ ચેમ્પિયન એવોર્ડ' આપી પ્રોત્સાહિત કરાઈ હતી. આ ઉપરાંત લાભાર્થીઓને THR (ટેક હોમ રાશન) વિતરણ સાથે માનનીય મુખ્યમંત્રીનો સંદેશપત્ર પણ અર્પણ કરાયો હતો.
ગામમાં પ્રશંસનીય સેવા આપવા બદલ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો તથા આશા વર્કરનું સન્માનપત્ર એનાયત કરી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
અંતમાં ગ્રામજનો અને આગેવાનોએ આંગણવાડીને બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણનું ઉત્તમ કેન્દ્ર બનાવવા સહિયારો સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.