મોરબીમાં અનેક સંસ્થાઓ ટ્રસ્ટ કે કોઈપણ સંગઠનના નેજા હેઠળ અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. પણ વરિયા પ્રજાપતિ સમાજના 15 થી 20 યુવાનો સંસ્થા કે સંગઠનના આધાર વગર 3 વર્ષથી જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ 15 થી 20 યુવાનો કહે છે કે, શરૂઆતથી અમારા ગ્રુપને સંસ્થા કે સંગઠનનો સહારો ન લેવાનું નક્કી કર્યું છે. જ્યારે પણ સેવા કરવાનું મન થાય ત્યારે બધા એકત્ર થઈને જાતે જ નાણાકીય ભંડોળ એકત્ર કરીને નક્કી કરેલી સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આમ તો તેઓ બધા એક સમાજના જ યુવાનો છે. પણ બીજા કોઈપણ સમાજના લોકોને અમારા સેવાકીય કાર્યમાં કોઈ જાતના રોકટોક વગર જોડાઈ શકે છે અને સેવા માટે કોઈની પાસે મદદનો હાથ લબાવતા નથી. પણ કોઈ સામેથી દાન આપે તો તેનો અસ્વીકાર કરતા નથી. સેવાનો ભાવ જ નિઃસ્વાર્થ છે. એટલે ગ્રુપનું નામ રાખ્યું નથી. કે દેખાડો પણ કરતા નથી જે પણ સેવા કરવી હોય એનો બધો જ ખર્ચ આ યુવાનો ઉઠાવે છે. જો કે ઘણા કહેવાતા સમાજ સેવી કામ ઓછું ને દેખાડો વધુ કરે છે. ત્યારે આ યુવાનો નામની ઘેલછા વગરની સેવા પ્રવૃત્તિઓ કાબીલેદાદ છે.
હમણાં જ 1100 કિલો સુખડી બનાવેલી
15 થી 20 યુવાનો પહેલા ભેગા થઈને સેવા પ્રવૃત્તિઓ કરવાનું નક્કી કરે છે પણ એનો જેટલો ખર્ચ આવે તે આપસમાં ભોગવી લે છે.આ યુવાનોએ હમણાં જ અબોલ જીવો માટે 1100 કિલો સુખડી બનાવી હતી અને અબોલ પશુઓને ખવડાવી હતી.જેનો 80 હજાર રૂપિયાનો ખર્ચ આવેલો હતો. છતાં કોઈની પાસે ભંડોળ માંગવા ગયા ન હતા. આ 80 હજારનો ખર્ચ તમામ યુવાનોએ જાતે જ ઉઠાવ્યો હતો.
અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં જમણવાર પણ કરે છે સાથે કીડીયારું ને કણ ને પક્ષી ને ચણ,
પ્રજાપતિ સમાજના યુવાનો 3 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં જમણવાર પણ કરે છે.અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં ૩૦૦ વ્યક્તિઓને મનભાવન ભોજન ખવડાવે છે. સાથે કીડીયારું પુરી અનેક કીડીઓના અને જીવજંતુ ના આશીર્વાદ મેળવે છે, તેમજ પક્ષીઓને ચણ પણ નાખે છે. આ ઉપરાંત ટિકર પાસે આવેલ વચ્છરાજ દાદાની જગ્યામાં રહેલા પશુઓને ત્રણ આઇસર ભરાય તેટલી 12 ટન જેટલી નીરણ નાખી છે. આવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વર્ષમાં ચાર વખત કરે છે.