Tuesday - Jul 21, 2026

મોરબીના માનસર ગામે 20 વીઘામાં 1000 વૃક્ષો રોપાયા

મોરબીના માનસર ગામે 20 વીઘામાં 1000 વૃક્ષો રોપાયા

ગ્લોબલ વોર્મિંગ સામે હરિયાળીનું અભિયાન; ગાયત્રી પરિવાર છેલ્લા 20 વર્ષથી વૃક્ષારોપણ અને જતનના કાર્યમાં સક્રિય

મોરબી: ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના વધતા પડકારો વચ્ચે હરિયાળું ભવિષ્ય ઘડવાના સંકલ્પ સાથે મોરબી તાલુકાના માનસર ગામે રવિવારે 20 વીઘા જમીનમાં 1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. મોરબી ગાયત્રી પરિવારના પર્યાવરણ સંવર્ધન અને જાગૃતિ મહાઅભિયાન અંતર્ગત યોજાયેલા આ વૃક્ષારોપણ અભિયાનમાં ગ્રામજનો, દાતાશ્રીઓ, ઉદ્યોગપતિઓ અને પર્યાવરણપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કરીને અભિયાનને સફળ બનાવ્યું હતું.

સમસ્ત માનસર ગ્રામજનોના સહકાર, દાતાઓની આર્થિક સહાય અને પર્યાવરણપ્રેમીઓના માર્ગદર્શન હેઠળ અંદાજે 20 વીઘા વિસ્તારમાં વિવિધ પ્રકારના 1000 વૃક્ષોનું આયોજનબદ્ધ વાવેતર કરવામાં આવ્યું હતું. માત્ર વૃક્ષોની સંખ્યા વધારવા નહીં પરંતુ લાંબા ગાળે પર્યાવરણને ઉપયોગી બને તેવા વૈવિધ્યસભર વનની રચના કરવાના ઉદ્દેશ સાથે છાંયો આપતા ઘટાદાર વૃક્ષો, ફળાઉ વૃક્ષો તેમજ ઔષધીય ગુણધર્મો ધરાવતા વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ અભિયાનને સફળ બનાવવા માટે માનસર ગામના યુવાનો, સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ, પર્યાવરણપ્રેમીઓ અને ગાયત્રી પરિવારના પરિજનો તન-મન-ધનથી જોડાયા હતા. ઉપરાંત મોરબી, રાજકોટ, જોધપર, ધુનડા અને ટંકારાથી આવેલા સેવાભાવી કાર્યકરોએ પણ શ્રમદાન કરીને વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો.

મોરબી ગાયત્રી પરિવાર છેલ્લા 20 વર્ષથી સતત વૃક્ષારોપણ અને તેના જતનનું કાર્ય કરી રહ્યો છે. તાજેતરમાં જ સંસ્થા દ્વારા ખેડૂતો અને ગ્રામજનોને પ્રોત્સાહન મળે તે માટે 1200 કેસર કેરીના કલમી રોપાનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ માનસરમાં ઉભું થઈ રહેલું આ હરિત ક્ષેત્ર આગામી વર્ષોમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

મોરબીના માનસર ગામે 20 વીઘામાં 1000 વૃક્ષો રોપાયા