વન વિક વન રોડ અંતર્ગત આજે બુધવારે મનપાની હદમાં ડીમોલેશન કરાયું
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત આજે બુધવારે મનપાની હદમાં આવતા મોરબી રાજકોટ હાઇવે ઉપર ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવવા ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી અને આ હાઇવે પર મનપાની હદમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો ઉપર મનપાએ બુલડોઝર ફેરવી દબાણો હટાવી હાઇવે દબાણ મુક્ત કર્યો હતો.
મોરબી મનપા દ્વારા શનાળા બાયપાસ ઉપર ગેરકાયદે દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં વાવડી ચોકડીથી લઈને છેક રાજપર ચોકડી સુધી બાયપાસ રોડ ઉપર ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવા મનપાએ બુલડોઝર ફેરવી દીધું હતું. જો કે મનપાની રચના થયાને સવા વર્ષમાં દર બુધવારે કોઈને કોઈ માર્ગ ઉપર મનપા દબાણો દૂર કરતું હોય એ પહેલાં નોટિસ ફટકારતું હોવાથી દબાણો દૂર થાય એ પહેલાં જ દબાણકારો સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરે છે. આથી આજે પણ દબાણ હટાવ કામગીરી પહેલા 20 જેટલા ગેરકાયદે દબાણકારોને નોટિસ ફટકારી હતી. તેથી અગાઉથી જ 10 જેટલા દબાણકારોએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરી દીધા હતા. બાકી રહેલા એપાર્ટમેન્ટની દીવાલો,આડશો સહિતના દબાણો હટાવી દેવામાં આવ્યા હતા અને 15 જેટલા છાપરા અને લારી-કેબીનો પણ હટાવ્યા હતા. આ રીતે વાવડી ચોકડીથી શનાળા બાયપાસ લઈને છેક રાજપર ચોકડી આ મોરબી રાજકોટ હાઇવેને જોડતી હોય ત્યાં ખડકાયેલા તમામ રોડને નડતરરૂપ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ રોડ બન્ને તરફ 15-15 મીટરનો હોય તેના પરના દબાણો હટાવી આ રોડ એકદમ ખુલ્લો કરી દીધો છે.
મનપાના ડે. કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, મોરબી રાજકોટ સ્ટેટ હાઇવેને કોર્પોરેશન દ્વારા એલઓપી જાહેર કરવામાં આવ્યો છે. એમાં મનપાની હદમાં આવતા બન્ને તરફના 15-15 મીટરના રોડ ઉપર 20 જેટલા દબાણો હોય એ દબાણો દૂર કરી દેવાયા છે. જ્યારે એક વર્ષથી મનપા વન વિક વન રોડ અંતર્ગત કોઈને કોઈ વિસ્તારમાં દર બુધવારે દબાણો દૂર કરે છે. જો એ વિસ્તારમાં ફરી દબાણો ખડકાય જાય તો ત્રણ ચાર મહિને ફરી એનો વારો આવે છે અને ત્યાં ફરીથી દબાણ મુક્ત કરવામાં આવે છે. મનપાએ આ રીતે આખું શેડયુલ બનાવી શહેરને દબાણ મુક્ત કરવાની તેમણે નેમ વ્યક્ત કરી છે.