મોરબી : આજના સમયમાં યુવાધન દારૂ, ગાંજો, ચરસ અને મેફેડ્રોન પાવડર જેવા નશાની લતે ચડ્યું છે અને દરિયાકાંઠાથી લઈ મહાનગર સુધી ડ્રગ્સના ધંધાર્થી ઝડપાઇ રહ્યા છે ત્યારે મોરબી એસઓજી ટીમે ટંકારા શહેરમાં મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સને 83.200 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી લઈ નશાના નેટવર્કને ખુલ્લું પાડ્યું છે.
મોરબી એસઓજી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારા શહેરની હરિઓમ સોસાયટીમાં રહેતો આરોપી હાર્દિક નરેન્દ્રભાઈ ભાડજા નશાનો કારોબાર કરી રહ્યો છે.જે બાતમીને આધારે એસઓજી ટીમે આરોપીના રહેણાંકમાં દરોડો પાડતા હાર્દિક ભાડજા 83.200 ગ્રામ મેફેડ્રોન પાવડર કિંમત રૂપિયા 2,49,600, એક ઇલેક્ટ્રિક વજન કાંટો કિંમત રૂપિયા 500 અને બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 30 હજાર મળી કુલ રૂ.2,84,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.વધુમાં પોલીસે હાલમાં હાર્દિકના મોબાઈલ ફોનના આધારે નશાનું નેટવર્ક ભેદવા આરોપીની કડક પૂછપરછ શરૂ કરી ડ્રગ્સ ક્યાંથી લાવતો અને કોને કોને વેચાણ કરતો હતો તે સહિતની તમામ બાબતો અંગે ઊંડી તપાસ શરૂ કરી આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં નારકોટિક્સ એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો હતો.