શિક્ષણનું સ્તર ઊંચું લાવવા આગેવાનોની બેઠકમાં શાળાની બિલ્ડીંગની જર્જરિત હાલત, ઓછી શાળા, શિક્ષકોની અછત અને નવા બિલ્ડિંગના નિર્માણની વિશદ ચર્ચા કરાઈ
મોરબી : માળિયા મિયાણા શહેરમાં શિક્ષણના સ્તરને સુધારવા અને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના હેતુથી માળિયાના મુસ્લિમ આગેવાનો દ્વારા એક મહત્વની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મિયાણા સમાજના આગેવાનો, સુન્ની મુસ્લિમ જમાત, અલ માસૂમ એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ સ્થાનિક જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મીટીંગ દરમિયાન માળિયા મિયાણા શહેરના બાળકોનું શિક્ષણ સ્તર કેમ ઊંચું લાવી શકાય તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને જોષી પ્રાઇવેટ હાઇસ્કૂલ તથા માસૂમ વિદ્યાલયમાં સંચાલકો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું વહેલી તકે કેવી રીતે નિરાકરણ લાવી શકાય તે બાબતે વિચાર-વિમર્શ કરાયો હતો. આ ઉપરાંત શાળાઓમાં પ્રવર્તતી શિક્ષકોની અછત સહિતના અનેક શિક્ષણલક્ષી પ્રશ્નો પર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી.
માળિયા શહેરમાં ઉચ્ચ શિક્ષણ માટે સ્કૂલ બિલ્ડિંગનું નવું નિર્માણ કરવા સહિતના મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં માળિયા વિસ્તારને 100% શિક્ષિત બનાવવા માટેના કોલ લેવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ બેઠકમાં તમામ પક્ષના નગરપાલિકા સદસ્યો, જમાતના આગેવાનો અને સ્થાનિક શિક્ષિત લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના સૂચનો રજૂ કર્યા હતા.