ગોરખધંધાની બાતમી આપતો હોવાની શંકાથી કાકા, પિતરાઇ ભાઈ સહિતના 4 શખ્સોએ ખૂની ખેલ ખેલ્યો હતો
મોરબી : મોરબીના શોભેશ્વર રોડ પર મફતીયાપરામાં સિકંદરભાઈ માણેકની ઓરડીમાં રહેતા હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને પિસ્તોલથી ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. આરોપી ફારૂકભાઈ ભટ્ટી ઇંગ્લિશ દારૂનો ગેરકાયદેસર ધંધો કરતો હતો અને તેના પર થતા પોલીસ કેસની બાતમી મૃતક હનીફભાઈ આપતો હોવાના વહેમ અને ખાર રાખીને તમામ આરોપીઓએ એકસંપ કરીને આ હત્યા કરી હતી. આ બનાવમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચારેય આરોપીને ઝડપી લીધા છે.
હત્યાના બનાવને પગલે પોલીસે અલગ ટીમો બનાવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયાને મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે આરોપી ફારૂકભાઈ અલ્લારખાભાઈ ઉર્ફે બટુક કવાલ ભટ્ટી અને સમીરભાઈ જાકિરભાઈ પીરજાદાને થાનગઢથી તેમજ આરોપી રીયાઝભાઈ ફારૂકભાઈ ભટ્ટી અને નાઝીમભાઈ દિલાવરભાઈ ઉર્ફે મુનાફભાઈ દિવાનને મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર શક્તિ ચેમ્બર પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પો.ઇન્સ. જે.ડી. સરવૈયા, પો.સબ.ઇન્સ. એમ.આર. સિંધવ અને સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.
ઝડપાયેલા તમામ આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે. મુખ્ય આરોપી ફારૂકભાઈ ભટ્ટી સામે અગાઉ થાનગઢ, જોરાવરનગર અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, બી.એન.એસ. અને આર્મ્સ એક્ટ હેઠળ 3 અલગ-અલગ ગુના નોંધાયેલ છે. જ્યારે આરોપી સમીરભાઈ પીરજાદા સામે અગાઉ થાનગઢ અને જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલ છે. આ ઉપરાંત, આરોપી રીયાઝભાઈ ભટ્ટી અને નાઝીમભાઈ દિવાન સામે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. અને આર્મ્સ એક્ટ હેઠળ અગાઉ 1-1 ગુનો નોંધાયેલ છે.