Saturday - Jun 13, 2026

માળીયાના ચીખલી ગામે હથિયાર બનાવીને વેચવાના કૌભાંડનો પર્દાફાશ

માળીયાના ચીખલી ગામે હથિયાર બનાવીને વેચવાના કૌભાંડનો પર્દાફાશ

યુટ્યુબમાં વીડિયો જોઈને છેલ્લા બે ત્રણ વર્ષથી પોતાના ઘરમાં જ બાર બોરની સિંગલ બેરલ બંદૂક બનાવી વેચાણ કરતો હોવાની આરોપીની કબૂલાત

મોરબી : મોરબી જિલ્લામા માળીયા તાલુકામાં અવારનવાર એકલ દોકલ બાર બોરની સિંગલ બેરલ બંદૂકો પકડાતી હોવાની વચ્ચે હવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ હથિયારોના ઉત્પાદનના મૂળ સુધી પહોંચીને ચોક્કસ બાતમીને આધારે માળીયા તાલુકાના ચીખલી ગામેથી હથિયાર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ હથિયારો બનાવતા એક શખ્સને દબોચી લઈને તેની પૂછપરછમાં કરતા તેણે યુટ્યુબમાં વીડિયો જોઈને છેલ્લા બે ત્રણ વર્ષથી પોતાના ઘરમાં જ બાર બોરની સિંગલ બેરલ બંદૂક બનાવી વેચાણ કરતો હોવાની કબૂલાત આપી છે. આ હથિયારો બનાવીને વેચી મારવાના કૌભાંડમાં હાલ અન્ય એક શખ્સનું નામ પણ સામે આવ્યું છે.

મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સચોટ બાતમી મળી હતી કે, માળીયા મીં તાલુકાના ચીખલી ગામે આવેલા મફતિયાપરામા રહેતો સલીમ કાદરભાઈ માલાણી નામનો શખ્સ પોતાના ઘરમાં ગેરકાયદે હથિયારો બનાવવાની મીની ફેકટરી ચલાવીને ખાસ બાર બોરની સિંગલ બોરની દેશી બંદૂક બનાવીને વેચાણ કરે છે. આ બાતમીને આધારે એલસીબી પોલીસે સલીમ કાદરભાઈ માલાણીના ઘરે રેડ કરી હતી. પોલીસની રેડ દરમિયાન આરોપી બે બાર બોરની બંદૂક, બાર બોરની બદુકના 60 ખાલી કારતુસ, ગન પાવડર, વેલ્ડીંગ મશીન, ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડર, ડ્રિલ મશીન, સિંગરો, લોખંડના છરા, ચાંદલિયાના રોલ સહિતના રૂ.19,070ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયો હતો. વધુમાં હથિયારની આ મીની ફેકટરી ચલાવવામાં પોલીસે આરોપી સલીમની પૂછપરછ કરતા આરોપી સીદીક ઉમેદઅલી કાજેડીયા રહે.હાલ ચરાડવા વાળાનું નામ ખુલતા પોલીસે સલીમને અટકાયતમાં લઈ બન્ને વિરુદ્ધ આર્મ્સ એકટ સહિતની કલમો મુજબ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જો કે, લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગેરકાયદે હથિયારો બનાવીને વેચવાના કૌભાંડને ઝડપી લઈને આરોપીની પૂછપરછ કરતા આરોપી સલીમ માલાણીએ પોલીડ સમક્ષ કબુલ્યું હતું કે, તે યુટ્યુબમાં વીડિયો જોઈ જોઈને બંદૂક જેવા ઘાતક હથિયારો બનાવવાનું શરૂ કર્યું હતું.આ આરોપી છેલ્લા બે ત્રણ વર્ષથી પોતાના ઘરમાં જ બાર બોરની સિંગલ બેરલ બંદૂક બનાવી વેચાણ કરતો હોવાનું અને અત્યાર સુધીના અનેક લોકોને આવા હથિયાર વેચ્યા હોવાનું કબુલતા પોલીસે કોને કોને હથિયાર વેચ્યા તે સહિતની બાબતો આરોપી સલીમ પાસેથી ઓકવવા પ્રયાસો શરૂ કર્યા છે.