Saturday - May 16, 2026

લવ મેરેજ હવે માતાપિતાની મંજૂરી આવશ્યક, અરજી કર્યે જાણ કરાશે

લવ મેરેજ હવે માતાપિતાની મંજૂરી આવશ્યક, અરજી કર્યે જાણ કરાશે

મોરબી : ગુજરાત સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા વિધાનસભામાં રજૂ કર્યા છે. નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, “અમે પ્રેમલગ્નના વિરોધી નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ ખોટી ઓળખ બતાવીને – જેમ કે ‘સલીમ’થી ‘સુરેશ’ બનીને – દીકરીને ફસાવવાનો પ્રયાસ કરશે તો તેને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.”

સૂચિત સુધારા અનુસાર, ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006 હેઠળના નિયમો વધુ પારદર્શક, કડક અને સુરક્ષિત બનાવવામાં આવશે. આ સુધારાનો મુખ્ય હેતુ છેતરપિંડી અટકાવવી, યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને પારિવારિક મૂલ્યોને મજબૂતી આપવાનો છે. આગામી 30 દિવસ સુધી આ સુધારા પર જાહેરમાં વાંધા-સૂચનો મંગાવવામાં આવશે.

મુખ્ય સુધારાઓ અને નવી વ્યવસ્થા:

વર-વધૂની હાજરી અનિવાર્ય: લગ્ન નોંધણી વખતે બંને પક્ષોની (વર અને વધૂ) વ્યક્તિગત હાજરી ફરજિયાત રહેશે. અગાઉ દસ્તાવેજો અપૂર્ણ હોવા છતાં અથવા હાજરી વિના પણ નોંધણી થઈ જતી હતી.

માતા-પિતાને તાત્કાલિક જાણ:

અરજી કરતાની સાથે જ વોટ્સએપ અથવા અન્ય માધ્યમ દ્વારા કન્યા/વરના માતા-પિતાને સંપૂર્ણ વિગતો (જેમ કે નામ, આધાર, સરનામું વગેરે) મોકલવામાં આવશે.
માતા-પિતાની ભૂમિકા: માતા-પિતાના આધાર કાર્ડ, ફોન નંબર અને સરનામાની વિગતો ફરજિયાત લેવાશે. કેટલાક કિસ્સાઓમાં તેમનું ડિક્લેરેશન અથવા જાણકારી આપવી પડશે. સાક્ષીઓની વિગતોમાં સાક્ષીઓના ફોટો, આધાર કાર્ડની નકલ અને સંપૂર્ણ માહિતી આપવી અનિવાર્ય બનશે.

અરજીની પ્રક્રિયા:

તલાટી માત્ર અરજી સ્વીકારશે અને ચકાસણી કરશે, પરંતુ મંજૂરીની સત્તા તાલુકા કક્ષાના ઉપરી અધિકારી (ક્લાસ-2 ઓફિસર)ને આપવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારના અરજદારોએ તાલુકા જવાની જરૂર નહીં પડે.

નોટરી અને ચેકિંગ:

નોટરી કરતી વખતે તમામ પક્ષકારોની હાજરી જરૂરી રહેશે. ખોટી નોટરી પર કડક કાર્યવાહી થશે.
અલગ ઓનલાઈન પોર્ટલ: આગામી દિવસોમાં પ્રેમલગ્ન/ભાગેડુ લગ્ન માટે અલગ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે, જેથી સમગ્ર પ્રક્રિયા ટ્રેક કરી શકાય અને પારદર્શક બને.

હર્ષ સંઘવીએ ભાર આપ્યો કે, “નિયમો કડક કર્યા છે પણ લોકોને હેરાન ન થવા દેવા. જે પ્રેમલગ્નમાં ખોટી ઓળખ નથી બતાવતા અને માતા-પિતાની સહમતિથી થતા લગ્નમાં કોઈને મુશ્કેલી નહીં પડે.” આ સુધારા બાદ લગ્ન નોંધણી પ્રક્રિયા વધુ મજબૂત અને વિશ્વસનીય બનશે, જેનાથી સમાજમાં વધુ પારદર્શિતા અને સુરક્ષા આવશે.