કોઈપણ લુખ્ખા તત્વોને કાયદા કે પોલીસનો ડર જ હોય એમ બેખોફથી જાહેરમાં વેપારીને છરી મારીને ખૂન કરી નાખે તો શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી ગઈ કહેવાય તેવી વેપારીઓની હૈયાવરાળ : હત્યારાઓને પોલીસ તાત્કાલિક પકડી જાહેરમાં સરઘસ કાઢી આવું હીંચકારું કૃત્ય કરતા પહેલા સો વખત વિચારે એવી કડક સજા આપવાની માંગ કરી
મોરબી : મોરબીના સરદાર બાગ આગળ ગુરુવારે રાત્રે નાની અમથી વાતને લુખ્ખાઓએ મોટું રૂપ ધારણ કરી કાયદો અને પોલીસનો ડર જ ન હોય જાહેરમાં સોની વેપારીને છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરી નાખી હતી. આથી વેપારીની આ હત્યાના બનાવથી વેપારી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટનાના વિરોધમાં સોની વેપારીઓએ નહેરુ ગેઇટથી દરબારગઢ સુધીની સોની બજાર સજ્જડ અને રોષપૂર્ણ બંધ રાખી હત્યારાઓને પોલીસ તાત્કાલિક પકડી જાહેરમાં સરઘસ કાઢી આવું હીંચકારું કૃત્ય કરતા પહેલા સો વખત વિચારે એવી કડક સજા આપવાની માંગ કરી છે.
મોરબીના સોની વેપારી જતીન આડેસરા ગઈકાલે ગુરુવારે પોતાના પરિવાર સાથે રાજકોટ ખાતે એક ધાર્મિક પ્રસંગ નિપટાવીને પોતાના ઘરે પરત મોરબી આવી રહ્યા હતા.ત્યારે મોરબીના સરદારબાગ પાસે રસ્તામાં બાઈક ઓવરટેક કરવા જેવી સાવ સામાન્ય બાબતમાં અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી આ સોની યુવાનને છરી મારી હત્યા કરીને ફરાર થઇ ગયા હતા.મોરબી જેવા એકદમ શાંત શહેરમાં બિહાર જેવી ગુંડાગીરીનો નગ્નનાચ થતા વેપારીઓએ સલામતી અને કાયદો તેમજ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવી આ ઘટનાને એકદમ આઘાતજનક ગણાવી વિરોધ કર્યો હતો.
હત્યાની આ આઘાતજનક ઘટનાના વિરોધમાં મોરબીના વેપારી આલમ સોની સમાજ, વેપારી મહામંડળ અને અન્ય ટ્રેડર્સ દ્વારા આજે સ્વયંભૂ અડધા દિવસનો (બપોરે ૨:૦૦ વાગ્યા સુધી) બંધ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નહેરુ ગેઇટ, ગ્રીન ચોકથી લઈને દરબારગઢ સુધીની મુખ્ય બજારો, સોની બજાર ઉપરાંત સ્ટેશનરી અને અન્ય ચીજવસ્તુઓની દુકાનો પણ સંપૂર્ણપણે બંધ જોવા મળી હતી. વેપારી આગેવાનોએ લુખ્ખા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ કાયમ થાય તે માટે આરોપીઓ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં કોઈ વેપારી પર આવો હુમલો કરવાની હિંમત ન કરે તે માટે પકડાયેલા આરોપીઓનું દરબારગઢથી લઈને મુખ્ય બજારમાં જાહેર સરઘસ કાઢવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટ: આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી, આરોપીઓને ફાંસી જેવી કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી છે.