Saturday - May 16, 2026

સ્વામી. મંદિરને મચ્છુ નદીના પટ્ટમાં અધકચરૂ નહિ પૂરેપૂરું ગેરકાયદે બાંધકામ હટાવવાની તાકીદ

સ્વામી. મંદિરને મચ્છુ નદીના પટ્ટમાં અધકચરૂ નહિ પૂરેપૂરું ગેરકાયદે બાંધકામ હટાવવાની તાકીદ

24 કલાકમાં સ્વામિનારાયણ મંદિરના વહીવટી કર્તા હર્તાને ગેરકાયદે બાંધકામ દૂર નહિ કરે તો નગરપાલિકા હટાવી દેશે

ગેરકાયદે બાંધકામ દૂર કરવા ફરી એકવાર તંત્રની સ્વામિનારાયણ મંદિરને આખરી નોટિસ

મોરબીમાં ઝૂલતાપૂલ નીચે મચ્છુનદીના પટ્ટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા મસમોટી દીવાલ સહિતનું ગેરકાયદે બાંધકામ ખડકી દેવાયા બાદ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ અગાઉ 2 દિવસમાં એ ગેરકાયદે બાંધકામ હટાવી દેવાની નોટિસ આપતા સ્વામી. મંદિરના સંચાલકોએ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી હોવાનું ધ્યાને આવતા કલેકટર અને નગરપાલિકાએ આ સંસ્થાના સંચાલકીનો બરોબરનો ઉઘડો લીધો છે અને અધકચરું નહિ પણ પુરેપૂરું ગેરકાયદે બાંધકામ હટાવવાની તાકીદ કરી જો 24 કલાકમાં સ્વામિનારાયણ મંદિરના વહીવટી કર્તા હર્તાને ગેરકાયદે બાંધકામ દૂર નહિ કરે તો નગરપાલિકા હટાવી દેશે તેવી ચેતવણી આપી છે.

મોરબીના પુલ નીચે મહાપ્રભુજીની બેઠક તરફ જવાના માર્ગે ઝૂલતાપૂલ નીચે નવા બની રહેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા મચ્છુ નદીના પટ્ટમાં વધારાનું ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ આ બાંધકામ ગેરકાયદે હોવાનું અને મચ્છુ નદીના વહેણને અટકાવી દીધું હોવાનું નરી આખે સ્પષ્ટ દેખાય છે. એટલું જ નહીં વરસાદમાં મચ્છુ નદીમાં કદાચ પુર આવે તો સ્વામી.મંદિરના વહીવટી કર્તા હર્તાએ ખડકેલું ગેરકાયદે મસમોટું દબાણ જોખમી નીવડે છે અને મચ્છુ નદીમાં પુર આવે તો ફરી હોનારત સર્જાય તેવી શકયતા હોવાની જાગૃત નાગરિકોએ ભીતિ દર્શાવી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. આથી મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરીએ તપાસના આંદેશ આપતા એક કમિટીએ તપાસ કરીને મચ્છુ નદીના પટ્ટમાં થયેલું બાંધકામ ગેરકાયદે હોવાનું સામે આવ્યું હતું. આથી  કલેકટરના આદેશથી નગરપાલિકાએ અને વહીવટી તંત્રએ અગાઉ એક મહિનાની મુદત આપી હતી. પણ હમણાં ચોમાસુ શરૂ થઈ જતા જાનમાલની રક્ષા માટે નગરપાલિકાએ સ્વામી. મંદિરના સંચાલકોને બે દિવસમાં એમણે કરેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની નોટિસ આપી હતી. પણ સંસ્થા મહારથીઓ તંત્રને ઉઠા ભણાવ્યા હોય તેમ માત્ર થોડા સમય પૂરતા પિલરો હટાવવાની કામગીરી કરીને તમામ જાતનું બાંધકામ યથાવત રાખતા આજે મોરબી પાલિકાએ આખરી નોટિસ ફટકારી છે. નોટિસમાં તંત્રએ તીખી પ્રતિક્રિયા દેખાડી સ્વામી. મંદિરને દેખાડો બંધ કરી સંપૂર્ણપણે ગેરકાયદે બાંધકામ ઉખેડી ફેંકવાની તાકીદ કરી છે. અત્યારે ચોમાસું ચાલુ હોય તેથી તંત્ર પોતાની જવાબદારી સ્વીકારીને બસ હવે બહુ થયું એમ જણાવીને 24 કલાકમાં ગેરકાયદે બાંધકામ જવાબદારો નહિ હટાવે તો તેના પર તંત્રનું બુલડોઝર ફરી વળશે એવું પાલિકા તંત્રએ જણાવ્યું છે.